સિરાજુદ્દીન ISIના એજન્ટ માટે ર્કોડિનેટરનું કામ કરતો હતો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહારાષ્ટ્ર, રાજસ્થાનના મિલિટરી ઈન્ટેલિજન્સની મદદ લેવાઈ

શહેરના જમાલપુરમાં રહેતા બે શખ્સો અમુક રૂપિયા માટે દેશની ગુપ્ત માહિ‌તીઓ દુશ્મન દેશની ગુપ્તચર સંસ્થા આઈએસઆઇને આપતા હોવાની વિગતોના આધારે ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓ પૈકી સિરાજુદ્દીને ગુજરાત આર્મી‍ કેન્ટોન્મેન્ટ સાથે પંજાબ,રાજસ્થાન અને મહારાષ્ટ્રના આર્મી‍ મૂવમેન્ટની વિગતો પણ આઈએસઆઇને આપી હોવાની વિગતો બહાર આવતા ક્રાઇમ બ્રાંચ પણ ચોંકી ઉઠી હતી.

દેશમાં સિરાજુદ્દીન આઇએસઆઇના કિર્ડિનેટર તરીકે કામ કરતો હતો તેમજ સરહદી રાજ્યોમાં સક્રીય એજન્ટો પાસેથી વિગતો મેળવીને પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ ઓફિસર તાહીરને પહોંચાડતો હતો. સીરાજે દેશમાં અન્ય આઇએસઆઇ એજન્ટોની નિમણુંક કરવામાં પાકિસ્તાની ઓફિસરોની મદદ કરી હોવાની પણ તપાસ એજન્સીઓ અને આર્મી‍ ઇન્ટેલિજન્સને શંકા છે.

ક્રાઇમ બ્રાન્ચે દુશ્મન દેશ માટે કામ કરતા જમાલપુરના બે શખ્સો સિરાજુદ્દીન અને મોહંમદ અયુબની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં ગુજરાત,રાજસ્થાન તેમજ પંજાબ આર્મી‍ની મહત્વની વિગતો પાકિસ્તાનને પહોંચાડી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન સિરાજના નેટવર્ક વિશે ક્રાઇમ બ્રાંચને મળતી વિગતોથી ખુદ ક્રાઇમ બ્રાંચ પણ ચોંકી ઉઠી હતી. સિરાજે રાષ્ટ્રવ્યાપી આઇએસઆઇનું નેટવર્ક ઊભું કર્યું હોવાની વિગતો બહાર આવી રહી છે.

સેન્ટ્રલ એજન્સીના ક્રાઇમ બ્રાંચમાં ધામા :

આઇએસઆઇ એજન્ટોની ધરપકડ થયા બાદ ઇન્ટેલિજન્સ, એરફોર્સ ઇન્ટેલિજન્સ, સેન્ટ્રલ આઇબી સહિ‌તની એજન્સીઓના અધિકારીઓ ક્રાઇમ બ્રાંચ પહોંચી ગયા હતા.મંગળવારે સવારથી અન્ય એજન્સીઓના અધિકારીઓએ ક્રાઇમ બ્રાંચ સાથે માહિ‌તીની આપ-લે કરી હતી.

લો પ્રોફાઇલ રહેવાની ટ્રેનિંગ અપાયેલી :

સિરાજે આઇએસઆઇના અધિકારીઓ પાસે ૧પ દિવસ સુધી ટ્રેનિંગ લીધી હતી. જે ટ્રેનિંગમાં સિરાજને જણાવાયું હતું કે તેણે કોઇ મોજશોખ કે હાઇ પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલથી દૂર રહેવું પડશે. જેનાથી અન્ય કોઇને તેના પર શંકા ન જાય . તે માટે સિરાજે લો પ્રોફાઇલ રહેવાનું શરૂ કર્યું હતું.

હેન્ડરાઇટિંગ તપાસાશે :

સિરાજ-અયુબ પાસેથી ક્રાઇમ બ્રાંચે કેટલાક નકશા અને કોડેડ મેસેજ કબજે કર્યા છે. જેમાં હાથેથી લખેલું લખાણ હોવાથીઆ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બંનેના હેન્ડરાઇટિંગ આ મેસેજ કે લખાણ સાથે મેચ થાય છે કે નહી તે તપાસવા માટે બન્ને આરોપીઓના હેન્ડરાઇટિંગ એફએસએલમાં મોકલાશે.

ઈમેઈલ માટે સોહેલની મદદ લેતો હતો :

સિરાજે આઇએસઆઇને ઇમેઇલ કરવા માટે મહંમદ અયુબ પહેલા સિરાજ ઇમેઇલ માટે જમાલપુરમાં રહેતા સોહેલ નામના શખ્સનો ઉપયોગ કરતો હતો. સોહેલ સિરાજ પાસે વધુ રૂપિયાની માંગણી કરતા સિરાજે મહંમદ અયુબને પોતાના માટે કામ કરવા તૈયાર કરી દીધો હતો.

અમે અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ :

ક્રાઈમ બ્રાંચ હાલમાં આઈએસઆઈ એજન્ટ બાબતેની તપાસ કરી રહી છે. તેઓ એકાદ બે દિવસમાં સંપૂર્ણ અહેવાલ આપશે. જેના પરથી સિરાજુદ્દીન કયાંથી અને કોની પાસેથી માહિ‌તી મેળવતો હતો તે સ્પષ્ટ થશે. જો કોઈ સલામતી વ્યવસ્થામાં કોઈ છીંડા હશે તો તે પુરવાનો પ્રયાસ કરીશું. એમ.જી. મહેતા, પીઆરઓ આર્મી કેનટોન્મેન્ટ, અમદાવાદ