વણઝારાને ૩ દિવસમાં મદદ સિંઘલ મુદ્દે હજુ વિચારણા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના ટોપ કોપ ગણાતા ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડીયન અને દિનેશ એમ એન નામાના ૩ આઈપીએસ અધિકારીઓની ધરપકડના ગણતરીના દિવસોમાં જ રાજ્યના આઈપીએસ એસો.ને વણઝારા અને રાજકુમાર પાંડીયનના પરિવારનું ધ્યાન રખાશે તેવી જાહેરમાં ખાતરી આપી હતી અને તેમના પરિવારની મુલાકાત પણ લીધી હતી.

પરંતુ ઈશરત જહાં એન્કાઉન્ટરમાં ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલી આઈપીએસ અધિકારી જી. એલ. સિંઘલની ધરપકડના એક મહિ‌ના બાદ હજી તો આઈપીએસ તેમના પરિવારને કેવી રીતે મદદ કરશે તેની વિચારણા કરી રહ્યું છે. આઈ પી એસ એસો.ના આ બેવડા ધોરણ અંગે પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડયું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ સિંઘલે ગૃહ વિભાગને પત્ર લખી આઈપીએસમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે નિયમ પ્રમાણે જો અધિકારી સામે તપાસ કે કેસ જારી હોય તો તેનું રાજીનામું સ્વીકારાય નહીં તેવા બહાના હેઠળ ગૃહ વિભાગે રાજીનામું સ્વીકાર્યું ન હતું. બાદમાં સિંઘલે કહ્યું હતું કે તેઓ રાજીનામું પાછું ખેચશે નહીં. તેઓ સરકાર અને તેમના જ ડિપાર્ટમેન્ટના વલણથી નારાજ છે, તેવું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

અધિકારીઓ સંજય ભટ્ટના ઘરે ગયા હતા
સરકાર સામે પડેલા સંજીવ ભટ્ટ સામે બોગસ એફિડેવિટ કરાવવાનો કેસ થયો હતો અને તેમની ધરપકડ થઈ હતી ત્યારે કેટલાક આઈ પી એસ અધિકારીઓ તેમની પણ ખબર લેવા તેમના ઘરે પહોંચી ગયા હતા. સિંઘલના કિસ્સામાં એવું છે કે તેમને નજીકથી ઓળખતા અધિકારીઓ અને જે અધિકારીઓને તેમના પ્રત્યે માન છે તેઓ જે તેમના પરિવારને સાંત્વના આપવા ગયા છે અને તે પણ જાહેરમાં નહીં.

મહિ‌નામાં પ્રમુખની ચૂંટણી થશે
આઈપીએસ એસો.ના હાલના પ્રમુખ એડિશનલ ડીજી દીપક સ્વરૂપ વર્તમાન મહિ‌ને નિવૃત્ત થવાના છે. તેથી હવે એક મહિ‌નાના ગાળામાં એસો.ની ચૂંટણી થશે તેવું આઇપી એસ અધિકારીઓના સૂત્રોએ જણાવ્યું છે. ઓકટોબર ૨૦૧૧થી આઈપીએસ એસો.ની કોઈ સત્તાવાર બેઠક મળી નથી.

અમે જી.એલ. સિંઘલ અંગે વિચારી રહ્યા છે
અમે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા કરી છે કે આઈ પી એસ અધિકારી જી એલ સિંઘલના પરિવારને કઈ રીતે મદદ કરવી. માત્ર સિંઘલ જ નહીં બલકે અન્ય અધિકારીઓ જે આઈ પી એસ નથી અને જુદા જુદા એન્કાઉન્ટર કેસોમાં જેલમાં બંધ છે તેમના પરિવારનું કઈ રીતે ધ્યાન રાખી શકાય તે અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે.’
રાજુ ભાર્ગવ, ડી આઈ જી લો એન્ડ ઓડર અને આઈ પી એસ એસો.ના સેક્રેટરી