તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોખરામાં શ્રમજીવી ભાડૂત પરિવારનો સામૂહિ‌ક આત્મવિલોપનનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મકાનમાલિક ઘર ખાલી કરાવવા આવતાં ભાડૂત પરિવારના સભ્યોએ કેરોસીન છાંટયું
- બે મહિ‌નામાં મકાન ખાલી કરવાની શરતે પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયું


ખોખરામાં બાલભવન પાસેની હિંમતલાલ બાપાલાલની ચાલીમાં મકાનમાલિક અને ભાડૂત વચ્ચેની કાયદાકીય લડતમાં કેસ જીતી ગયેલા મકાનમાલિકના માણસો પોલીસ સુરક્ષા સાથે શનિવારે મકાન ખાલી કરાવવા પહોંચ્યા હતા, પણ તેમણે ઘરવખરી ઘરની બહાર ફેંકતાં રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના સાત સભ્યે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ દીવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે દોડધામ કરીને સાતેયને ઝડપી લીધા હતા.

બાદમાં બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ બે માસમાં મકાન ખાલી કરી આપવાની શરતે સમાધાન થતાં તેમને જવા દીધા હતા. અર્જુનભાઈ માધુજી ઠાકોરનો પરિવાર ૩પ વર્ષથી અરમિન્દર શર્માના ભાડાના મકાનમાં રહે છે. મકાન ખાલી કરાવવા મુદ્દે અરમિન્દર શર્મા અને અર્જુન ઠાકોરના પરિવાર વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી હતી, પણ હાલમાં જ શર્મા પરિવાર કેસ જીતી જતાં તેના સભ્યો શનિવારે સવારે ખોખરા પોલીસની મદદથી અર્જુન ઠાકોરનું મકાન ખાલી કરાવવા પહોંચ્યા હતા.