'શિષ્યવૃત્તિનો હેતુ સામાજિક સમાનતા'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધર્મના આધારે લઘુમતી છાત્રોને સ્કોલરશિપ આપવાની રિટમાં દલીલ
- સામાજિક સમાનતા માટેની યોજનાની તરફેણ થવી જોઈએ


ધાર્મિ‌ક આધારે લઘુમતી કોમના છાત્રોને પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ આપવાની બાબત બંધારણ પ્રમાણે યોગ્ય છે કે કેમ તે અંગેનો નિર્ણય કરવા રચાયેલી હાઇકોર્ટના પાંચ જજોની ફુલ બેંચ સમક્ષ એક અરજદાર સંસ્થા તરફથી સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ બંધારણ અને ખાસ કરીને તેના આમુખનું અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે, 'જે યોજનાનો હેતુ સામાજિક સમાનતા માટેનો હોય, સમાજમાં પ્રવર્તતા ભેદભાવને દૂર કરવાનો હોય તો તેવી યોજનાની તરફેણ થવી જોઇએ.’

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. સહાય, જસ્ટિસ આર.આર. ત્રિપાઠી, જસ્ટિસ ડી.એચ. વાઘેલા, જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ વી.એમ.સહાયની ફુલ બેંચ સમક્ષ ઝીદની ઇમા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડો. જે.એસ. બંદૂકવાલાએ પક્ષકાર તરીકે જોડાવવાની અરજી કરી હતી. તેમના વતી એડવોકેટ દુષ્યંત દવેએ કેટલીક ધારદાર દલીલો સોમવારે કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'બંધારણની જોગવાઇઓનું અર્થઘટન હેતુસભર અર્થપૂર્ણ ઢબે થવું જોઇએ. તેના આમુખમાં જ બંધારણના રચયિતાએ દૂરંદેશી દાખવીને સામાજિક સમાનતા 'ફ્યુઝન’ ઉપર વિશેષ ભાર આપ્યો છે. કેન્દ્ર સરકારે લઘુમતી વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક સ્કોલરશિપની યોજના શરૂ કરી છે, તેનો આશય લઘુમતીઓને પણ સમાજની મુખ્ય ધારામાં સમાવી લેવાનો છે. સમાજના સમાનતાનું લાવવા કે તેનો નિર્માણ કરવા આ યોજના થકી અર્થપૂર્ણ અને વિકાસોન્મુખ પગલું ભરાયું છે.’

આ કેસના અન્ય એક પક્ષકાર વતી એડવોકેટ યતીન ઓઝાએ પણ દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,'લઘુમતીઓના નામે કે ધાર્મિ‌ક ભેદભાવ કરીને આ પ્રકારની યોજના બનાવી શકાય નહીં. તે ધર્મનિરપેક્ષતાની ફિલસૂફીથી વિપરીત છે. સચ્ચર કમિટિના રિપોર્ટને પણ કોર્ટ સમક્ષ પડકારાયો છે. તેથી તેની ભલામણો ઉપર પણ આધાર રાખવું યોગ્ય જણાતું નથી.’ આ કેસની વધુ સુનાવણી મંગળવારે થશે. જેમાં રાજ્ય વતી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલ પ્રકાશભાઇ જાની તેમનો પક્ષ રજૂ કરશે.

'પ કરોડ ગુજરાતીઓમાં ૧પ લાખ મુસ્લિમો પણ છે’ :

આ કેસમાં ચાલુ દલીલો વચ્ચે એક તબક્કે એવી ટકોર પણ થઇ હતી કે,'ગુજરાત સરકાર પ કરોડ ગુજરાતીઓની વાત કરતી હોય ત્યારે શું તેની અંદર ૧પ લાખ મુસ્લિમો આવી જતા નથી. તેઓ પણ ગુજરાતનો જ ભાગ છે.’

વાઇબ્રન્ટ ગુજરાત માટે યોજનાનું અમલીકરણ મુશ્કેલ હોય એ સમજાતું નથી :

દલીલો વચ્ચે એવી ટકોર પણ કરાઇ હતી કે, 'ગુજરાત રાજ્ય તો વાઇબ્રન્ટ છે, જેમાં ઔદ્યોગિક એકમોને અનેક પ્રકારના ટેક્સ બેનિફિટ અપાય છે. આ વાઇબ્રન્ટ રાજ્ય પોતાની પ સ્કીમો ચલાવી શકતું હોય અને કેન્દ્રની સ્કીમ અમલ કરી શકવા સક્ષમ ન હોય તે વાત માન્યામાં આવે તેવી નથી.’