- ૭૪ વર્ષની વયે ગુણીજનોને સંમોહિત કરવાનો જાદુ પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માના સંતુરના સ્વરમાં સાબૂત છે તેની ઝલક તેમણે રૂપક અને તીનતાલમાં નિબદ્ધ રચના પ્રસ્તુત કરીને આપી.
૩૩મા સપ્તક સંગીત સમારોહની આઠમી સ્વર રાત્રિના અંતિમ ચરણમાં કલાસાધક સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું સર્વોત્તમ સંતુરવાદન પ્રસ્તુત થયું. તેમણે સંતુર પર રાગ જોગકૌંસ છેડ્યો. પંડિતજીના સિદ્ધહસ્ત સંતુરવાદનથી ચાહકોના દિલના તાર રણઝણી ઉઠ્યા. તેમણે રાગ જોગકૌંસમાં સવિસ્તાર આલાપ અને જોડ બાદ રૂપક અને તીનતાલમાં નિબદ્ધ રચના પ્રસ્તુત કરી. રાગના આગવા પ્રસ્તુતિકરણ દરમિયાન લયકારીનો વિશષ્ટિ આનંદ શ્રોતાઓએ મન ભરીને માણ્યો.