મોદીને પંચ સમક્ષ બોલાવવા સંજીવ ભટ્ટની હાઇકોર્ટમાં રિટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુખ્યમંત્રીને ન તપાસવાનો પંચનો નિર્ણય મનસ્વી અને વિવેકહીન

- પંચ તેનો અહેવાલ રાજ્ય સરકારને બદલે રાજ્યપાલને આપે : અરજદાર

ગોધરાકાંડ પછીના કેસોની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી પંચ સમક્ષ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તપાસ માટે બોલાવવાની દાદ માંગતી જાહેરહિતની અરજી સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટે ગુુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે કાયદામાં આ માટે શું જોગવાઇઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના આ માટેના નિયમો સરખા છે કે કેમ તે જણાવવાનું કહેતા વધુ સુનાવણી ૫મી ઓક્ટોબરના રોજ રાખી છે.

અરજદાર પીયુસીએલ સંસ્થા અને સંજીવ ભટ્ટ વતી સિનિયર એડ્વોકેટ યુસુફ મૂછાળાએ એવી રજુઆત કરી હતી કે,‘પંચ દ્વારા અગાઉ એવું જણાવાયું હતું કે મોદીને નહીં બોલાવવાનો નિર્ણય ચોક્કસ નહીં પરંતુ અચોક્કસ છે અને પંચ હજુ પણ સામગ્રી એકત્ર કરવાની કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ ૯મી માર્ચ ૨૦૧૨ના પંચના પત્ર પરથી એ સ્પષ્ટ થાય છે કે પંચે તેના રિપોર્ટનો ફાઇનલ ‘ડ્રાફ્ટ’ તૈયાર કરી લીધો છે અને તે ટૂંક સમયમાં જ તેનો અંતિમ અહેવાલ પણ રજુ કરશે. પરંતુ પંચ સમક્ષ મોદીને બોલાવ્યા કે તપાસ કર્યા વિના જો આ અંતિમ અહેવાલ રજુ કરવામાં આવે તો એ ન્યાયના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ હશે.

પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં પણ ‘રોલ એન્ડ ફંકશન ઓફ ધી ચીફ મિનસ્ટિર’ને પણ સામેલ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટની જોગવાઇ મુજબ પણ પંચ મોદીને બોલાવવા કે તપાસવામાંથી છટકી શકે નહીં.’

વધુમાં તેમણે એવી રજુઆત કરી હતી કે,‘બંધારણીય અને વ્યક્તિગત રીતે પણ મુખ્યમંત્રી મોદીએ પંચ સમક્ષ ઓન રેકોર્ડ આવવું જોઇએ. જ્યારે પંચ દ્વારા મુખ્યમંત્રીના મંત્રીઓ, પોલીસ અધિકારીઓ, રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેને તપાસ્યા હોય ત્યારે અંતિમ તબક્કે મોદીને નહીં તપાસવાનો પંચનો નિર્ણય ચોક્કસપણે મનસ્વી અને વિવેકહીન જણાય છે.

તેથી મોદીની ભૂમિકા તપાસવા પંચે નોટિસ પાઠવવાનો આદેશ હાઇકોર્ટે કરવો જોઇએ.’ જો કે આ રિટનો મુખ્ય સરકારી વકીલ પ્રકાશભાઇ જાનીએ સૈદ્ધાંતિક વિરોધ કરતાં જણાવ્યું હતું કે,‘આવા જ મતલબ અને દાદ સાથેની અરજીઓમાં હાઇકોર્ટ ચુકાદો આપી ચૂકી છે, તેથી વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે જાણીબૂઝીને વારંવાર આવી બિનજરૂરી રિટ કરવાનો કોઇ આશય નથી. તેથી આ રિટ ફગાવી દેવી જોઇએ.’

રાજ્ય સરકારે સંજીવ ભટ્ટનો જોરદાર વિરોધ કર્યો -

સંજીવ ભટ્ટ ઓલ ઇન્ડિયા પોલીસ સર્વિસનો સર્વિંગ ઓફિસર છે અને તે સરકાર સામે ખોટી રીતે કેસ કરતો હોઇ તેનો મુખ્ય સરકારી વકીલે વિરોધ કર્યો હતો. જો કે ખંડપીઠે જણાવ્યું હતું કે, પીઆઇએલ કરવાનો તમામને હક છે, જો કોઇ અધિકારી સરકારી નીતિનો ભંગ કરે તો સરકાર તેની સામે પગલાં લઇ જ શકે છે.

બજરંગીના નિવેદનમાં પણ મોદીનો ઉલ્લેખ -

અરજદારે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે નરોડા પાટિયામાં બાબુ બજરંગીને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. જેનો આધાર તેનું એક્સ્ટ્રા જયુડિશિયલ સ્ટેટમેન્ટ છે. એમાં પણ મોદીનો ઉલ્લેખ છે. ત્યારે મોદીની તપાસ કેમ ન કરી શકાય.

પિટિશનમાં મંગાયેલી દાદ -

- મુખ્યમંત્રી મોદીને પંચ સમક્ષ બોલાવી તેમની તપાસ કરવી જોઇએ.

- પંચને તેનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને બદલે રાજ્યપાલને સોંપે.

- પંચના તમામ દસ્તાવેજો સુરક્ષિત અને સલામત રાખવા પંચ રાજ્યને આદેશ કરે.

- પિટિશનના અરજદાર નંબર -૨ સંજીવ ભટ્ટની વધુ તપાસ કરવા પંચને આદેશ કરવો.

- રિટનો નિકાલ ન થાય ત્યાં સુધી ફાઇનલ રિપોર્ટ ન કરવાનો આદેશ કરવો.