હું ગુજરાત કોલેજ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતો: સલિમ દુરાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સલીમ અજીજ દુરાનીનું નામ ખૂબ ઓછા યંગસ્ટરોએ સાંભળ્યું હશે.૧૯૬૦થી ૧૯૭૩ દરમિયાન સલીમ દુરાની ભારત વતી ૨૯ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. તેઓ શુક્રવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દુરાની મૂળ જામનગરના પરંતુ તેમની ક્રિકેટની કરિયર અમદાવાદથી શરૂ થઇ હતી. સલીમભાઇ અમદાવાદમાં આવ્યા ત્યારે દરેક રસ્તા અને ઇમારતને ધ્યાનપૂર્વક જોતાં અને કહેતા કે અમદાવાદ ખૂબ વિકસી ગયું છે. અમદાવાદની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે, અમારી વખતે ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ સિવાય કોઇ સારું ગ્રાઉન્ડ કે સ્ટેડિયમ ન હતું.તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો.

અમદાવાદ સાથેનો આપનો સંબંધ?
સૌરાષ્ટ્રમાં ૧૯પ૩થી રણજી ટ્રોફી શરૂ કરી પછીથી અમદાવાદ આવીને જશુભાઇ પટેલ, સુમન શેઠ અને ચિનુભાઇ બેરોનેટ સાથે શાહીબાગમાં રહીને પ્રેક્ટિસ કરતો.

તે વખતે અમદાવાદના સ્ટેડિયમ કેવા હતા ?
તે સમયે રમવા માટે સારા કોઇ સ્ટેડિયમ ન હતાં, પરંતુ મારા વખતે સરદાર પટેલ સ્ટેડિયમ તૈયાર થયું હતું. પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં જવું પડતું હતું. આ સમયે હું સાઇકલ પર શાહીબાગથી ગુજરાત કોલેજ પ્રેક્ટિસ કરવા જતો. સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ મોટેરામાં હું કોઇ દિવસ રમ્યો નથી.

ક્રિકેટ કરિયર બનાવવામાં કોની મદદ મળી?
શહેરના જશુભાઇ પટેલ, સુમન શેઠ અને ચિનુભાઇ બેરોનેટ સાથે અનેક ઉદ્યોગપતિની મદદ મળી હતી. આ સમય દરમિયાન હું રતિલાલ ખુશાલના સંપર્કમાં આવ્યો. ત્યારબાદ મને ઉદેપુરના મહારાણા ભાગવતસિંહજી મારા કેપ્ટન બન્યા અને મને અજૂર્‍ન એર્વોડ તેમજ બીસીસીઆઇનો સી.કે.નાયડુ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એર્વોડ મળ્યો.

તમે ફિલ્મમાં કામ કર્યું છે.?
હા, હું પહેલો ક્રિકેટર છું જેને પણ ક્રિકેટ સાથે ફિલ્મમાં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. મને ૧૯૭૩માં પરવિન બાબીની ફિલ્મ ચારિત્ર્યમાં કામ કરવાનો મોકો મળ્યો હતો.

નિવૃત્તિ લીધા પછી શું કરો છો?
નિવૃત્તિ પછી જાણે શરીર છે પણ આત્મા ઊડી ગયો હોય તેવું લાગે છે. જેમ સ્કૂલમાં જૂના પોલિટિકલ હીરો અંગે માહિ‌તી આપવામાં આવે છે તેવી રીતે જૂના ક્રિકેટરની પણ બાળકોને માહિ‌તી આપવી જોઇએ.

સચિન તેંડુલકરે નિવૃત્તિ લેવી જોઇએ?
સચિનના પિતા રમેશ મારા ખૂબ સારા મિત્ર હતા. હું પણ ક્રિકેટ ખૂબ રમ્યો છું પણ સચિન જેવો વ્યક્તિ નથી જોયો. સચિન વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હોવા છતાં તેનામાં પ્રેમભાવ, નમ્રતા અને સાદગી જોવા મળે છે. દરેક ખેલાડીને દેશભક્તિ કરવાનો મોકો રમવા સાથે મળે છે. આ પછી નવા ખેલાડીઓને તેનું સ્થાન આપવું તે પણ જરૂરી છે. તેથી સચિને જરૂરથી નિવૃત્તિ લઇને બીજાને સ્થાન આપવું જોઇએ.