અમદાવાદ: પગારદારોને ૩૧મી મે સુધીમાં ફોર્મ ૧૬ ઈસ્યુ કરવું પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જો આ ફોર્મ ઈસ્યુ ના થાય તો કંપનીએ દૈનિક ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે

કંપનીઓ દ્વારા પગારદાર કર્મચારીઓના ટીડીએસ જમા કરાવવામાં અને ત્યારબાદ જે તે કર્મચારીની વ્યક્તિગત વિગતો આપવામાં અનેક ગોટાળા થતાં હોવાના કારણે ટીડીએસમાં મિસ મેચ થતાં હતાં અને અનેક કર્મચારીઓના પગારમાંથી ટીડીએસ થયો હોવા છતાં ટેકસ ભરવાનો વારો આવતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે ઈન્કમટેકસ વિભાગે દરેક કંપનીઓ માટે પોતાની સાઈટ પરથી જ ફોર્મ ૧૬ ડાઉનલોડ કરીને કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો હતો. ઈન્કમટેકસ વિભાગે આપેલી સૂચના મુજબ કંપનીઓએ ૩૧મી મે સુધીમાં આ ફોર્મ ડાઉનલોડ કરી લેવું પડશે.

જે કંપનીઓએ આ ફંડ ડાઉનલોડ નહિ‌ કર્યુ હોઈ તેમને દૈનિક ૧૦૦ રૂપિયાની પેનલ્ટી કરવાનો નિર્ણય ઈન્કમટેકસ વિભાગે લીધો છે. ઉલ્લેખનીય છે કે ૨પમી સુધી ઈન્કમટેકસનું સર્વર મેઈન્ટેનન્સ માટે બંધ હતું આથી ફોર્મ ૧૬ ડાઉનલોડ થઈ શકયું નથી. અત્યારે બધી જ કંપનીઓ પોતે ભરેલા ટીડીએસની વિગત અપલોડ કરીને કર્મચારી દીઠ ફોર્મ ડાઉનલોડ કરી રહી છે. કંપનીઓએ ૩૧મી સુધીમાં આ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે એટલે એટલું જલદી કર્મચારીઓને પણ આપી દેવાનું રહેશે. પગારદાર કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧ જુલાઈ છે, ફોર્મ ૧૬ આવ્યા બાદ જ તેઓ રિટર્ન ફાઈલ કરી શકે છે, જો વહેલા ફાઈલ કરે તો તેમના ટીડીએસની ક્રેડિટ મળતી નથી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલનું કહેવું છે કે 'ફોર્મ ૧૬ની ડાઉનલોડની રિકવેસ્ટ આપીને દરેકનું વ્યક્તિગત ડાઉનલોડ કરવું પડે છે, આ એક નવી પ્રક્રિયા બનાવી દેવાઈ છે. ટીડીએસનું રિટર્ન ફાઈલ થાય એટલે આપોઆપ ફોર્મ ૧૬ કંપનીઓને ઈ મેલ પર મળી જાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ અથવા તો કંપની ટીડીએસ રિટર્ન ફાઈલ કરે ત્યારે જ ફોર્મ જનરેટ કરવા માટેની વ્યવસ્થા થઈ જવી જોઈએ.’