RTOએ જપ્ત કરેલા વાહનમાલિકો પાસેથી રૂ. ૧૪.૯૦ લાખ વસૂલ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે ૧પ દિવસમાં જુદા-જુદા ગુના હેઠળ ૧૮પ૯ વાહનો ડિટેઈન કર્યા હતા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટફાટની ઘટનાના વધારાનાં પગલે શહેર પોલીસે શહેરમાં ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનચેકિંગ રાખ્યું હતું. આ વાહનચેકિંગ દરમિયાન જુદા જુદા પ્રકારના ગુના હેઠળ જાન્યુઆરીના છેલ્લા ૧પ દિવસમાં ૧૮પ૯ વાહનો ડિટેઇન કર્યાં હતાં. આ વાહનચાલકો પાસેથી અમદાવાદ આરટીઓએ ૧૪.૯૦ લાખનો દંડ વસૂલ કર્યો છે. જેમાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. પરંતુ પોલીસ ડિટેઇન કરેલાં વાહનોમાં ટુ વ્હીલર વાહનો મોટી સંખ્યામાં હતાં.

ચોરી ડામવામાં નિષ્ફળ ગયેલી પોલીસે ૧પ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન વાહન ચેકિંગ કરીને ૧૮પ૯ વાહનો કલમ ૨૦૭ હેઠળ વાહનો ડિટેઇન કર્યાં હતાં. જેમાં હેલ્મેટ વગર, સીટબેલ્ટ, વીમો, પીયુસી, ભયજનક વાહન હંકારવું તેમજ નંબર પ્લેટ નહીં રાખવી તેમ જ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન હંકારવાના ગુનાનો સમાવેશ થાય છે. શહેર પોલીસ દ્વારા દરરોજ આવા ૨૦૦ મેમા ફાડીને અમદાવાદ આરટીઓમાં મોકલવામાં આવતા હતા.

આ અંગે અમદાવાદ આરટીઓ જે.એમ. ભટ્ટે જણાવ્યું છે કે, વાહનો ડિટેઇન કરવાના કેસોમાં ૯૦ ટકા પોલીસ તથા ૧૦ ટકા કેસો આરટીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જાન્યુઆરીના ૧પ દિવસમાં જે વાહનો ડિટેઇન થયાં હતાં તેમાં આરટીઓએ ૧૪.૯૦ લાખનો દંડ વસૂલ કર્યો છે. દર વર્ષે આવા જ કેસો બદલ અમદાવાદ આરટીઓને ૮થી ૯ કરોડની આવક થાય છે.