તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં સસ્તા ફ્લેટ અપાવવાનું કહી મામા સસરાના ૬૭ લાખ પડાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ સહિ‌તના મોટા ગજાના નેતાઓ સાથે ઘરોબો હોવાનું જણાવીને મહારાષ્ટ્ર અર્બન ડેવલોપમેન્ટ દ્વારા તૈયાર કરાતા મકાનો પૈકી બે ફલેટ સસ્તામાં અપાવવાના બહાને ફેકટરી માલિક તેવા મામા સસરા પાસેથી અઢી વર્ષમાં રૂ.૬૭ લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ભાણેજ જમાઇ, તેના ભાઇ અને પિતાની બાપુનગર પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે.

બાપુનગરમાં રહેતા ફેકટરી માલિક જગદીશભાઇ સાકરચંદ પટેલના બહેન સરોજબહેનના લગ્ન મુંબઈમાં કર્યા હતા. સરોજબહેનની દીકરી લીનાને મુંબઈમાં રહેતા ધવલ જયસુખભાઇ જગાણી(૨૬) સાથે પ્રેમસંબંધ બંધાતા બંનેએ લગ્ન કરી લીધા હતા. ધવલે મહારાષ્ટ્રના મોટા ગજાના નેતાઓ સાથે સારા સંબંધ હોવાનું કહી અમદાવાદમાં રહેતા તેના મામ સસરા જગદીશભાઇને મહારાષ્ટ્ર અર્બન ડેવલોપમેન્ટ દ્વારા સસ્તામાં તૈયાર કરાતા મકાન અપાવવાનું કહીને નેતાઓની સહીંઓવાળા કાગળો પણ બતાવ્યા હતા.

જેથી જગદીશભાઇએ બે ફલેટ લેવા માટે અઢી વર્ષમાં ધવલભાઇ, તેના ભાઇ પારસ જગાણી(૩૪) અને પિતા જયસુખભાઇ(૬૪)ને રોકડેથી તેમજ ચેકથી રૂ.૬૭ લાખ આપ્યા હતા. જોકે આ લોકોએ જગદીશભાઇને ફલેટ નહીં અપાવી તેમજ પૈસા પણ પાછા ન આપીને છેતરપિંડી કર્યાની ફરિયાદ જગદીશભાઇએ ભાણેજ જમાઇ, તેમના ભાઇ અને પિતા વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પીઆઈ જે.આર.દેસાઇએ તપાસ માટે મુંબઈ ટીમ મોકલી હતી અને આ ટીમ ત્રણેયને અમદાવાદ લઇ આવી હતી.