તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની રથયાત્રા પર યુએવી બાજ નજર રાખશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રથયાત્રાને લઈને રાજ્યભરની પોલીસ સ્ટેન્ડ બાય
- બે આઇજી- ડીઆઇજી, ૧૯ ડીએસપી, પ૦ ડીવાયએસપી, ૧૮૦ પીઆઇ, ૧૦૯ પીએસઆઇ તૈનાત રહેશે


અમદાવાદ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે પોલીસે પણ રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તેના માટે કવાયત શરૂ કરી દીધી છે. પોલીસે હાલ રૂટ પર રિહર્સલ અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. પોલીસે આ વખતે રથયાત્રા પર બાજ નજર રાખવા માટે બે યુએવી(અનમેન એરિયલ વ્હીકલ)નો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. ખાસ અમદાવાદની રથયાત્રા માટે આઇજી અને ડીઆઇજી રેકના અધિકારીઓ નીચે મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓની ફૌજ તેનાત કરી હોવાની જાહેરાત રાજ્યના પોલીસવડા અમિતાભ પાઠકે કરી હતી.

પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ‌ તે માટે અમદાવાદમાં સુરત શહેરના નાયબ પોલીસ કમિશર એ.એમ.કટારા અને સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી એ.કે.જાડેજાની ફાળવણી કરાઈ છે. તેમની આગેવાનીમાં કેન્દ્રીય પોલીસ દળની ૧૪ અને ડીજીપી રિઝર્વ દળની ૩ કંપની ફાળવાઇ છે.

સાથે સાથે ૧૯ ડીએસપી, પ૦ ડીવાયએસપી, ૧૮૦ પોલીસ ઇન્સ્પેકટર, ૧૦૯ પીએસઆઇ, હોમગાર્ડના ૩૮૦૦ જવાનો તથા ૨૯૦૦ અન્ય પોલીસકર્મીઓની ફોજ ઉપરાંત એસઆરપીએફની ૪૪ કંપની, સીએપીએફએસની ૧૪ કંપનીઓ તૈનાત રખાશે. સાથે રથયાત્રાના રૂટ પર ૨૦ સીસી કેમેરા લગાવાયા છે. વધુમાં પોલીસવડાએ જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં પહેલી વખત યુએવીનો ઉપયોગ કરાશે. પોલીસે બે યુએવીથી રથયાત્રા પર નજર રાખશે. આ એક એવું ઉપકરણ છે કે જે હવામાં ઉડતું રહીને રથયાત્રા પર નજર રાખશે અને જેમાં લગાવવામાં આવેલા કેમેરા રથયાત્રાના ફોટા પાડીને તરત જ કંટ્રોલરૂમમાં પહોંચાડશે.