અ'વાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળે વરસાદી છાંટા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાદળછાયા વાતાવરણ વચ્ચે ૪૧.૪ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર

છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જા‍તાં ગરમીથી ત્રાસેલા લોકોએ રાહત અનુભવી હતી. એટલું જ નહિ‌, પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં જ રવિવારે અમદાવાદમાં વાતાવરણે અચાનક પલટો મારતાં આકાશ વાદળોથી ઘેરાયું હતું, તેમજ વરસાદી વાતાવરણની સાથે સાંજ પડતાં શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડયાનું જાણવા મળ્યું હતું. પરંતુ, રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ૪૧.૪ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું હતું. જ્યારે રાજ્યનાં સુરેન્દ્રનગરમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જા‍વાની સાથે ઠંડા પવનોને લીધે લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. તેમ છતાં રાજ્યમાં સૌથી વધુ ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું.

વરસાદ પડવાની સંભાવના

રાજ્યભરમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ છે, જેને કારણે આગામી બેથી પાંચ દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં વાદળછાયું વાતાવરણ સર્જા‍વાની શકયતા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા તો કેટલાક સ્થળોએ વીજળીઓ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ડો. કમલજીત રે, ડાયરેક્ટર, હવામાન વિભાગ