અમદાવાદઃ રેલવેના પાપે રોજ હજારો લોકોને ૪ કિ.મી. ફરવું પડે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રેલવેની ઢીલી નીતિના ભોગે ૧૨ વર્ષથી બંધ પડેલો રેલવે ફૂટ ઓવર બ્રિજ
- હાઈકોર્ટમાં બબ્બે વાર સોગંદનામું રજૂ કરવા છતાં આજદિન સુધી બ્રિજનું કામ અધૂરું


લોકોને સુવિધા આપવાની વાતો કરતા રેલવે તંત્રની ઢીલી નીતિના પગલે સરસપુરથી સીધા જ કાલુપુર પહોંચાડતા રેલવે ફૂટ ઓવરબ્રિજનું કામ છેલ્લા ૧૨ વર્ષથી વધુ સમયથી ખોરંભે પડ્યું છે. જેના પગલે પૂર્વ વિસ્તારના પ૦ હજારથી વધુ લોકોને પ૦૦ મીટર જેટલું અંતર કાપવા માટે ૪ કિલોમીટર જેટલું ફરવું પડે છે. જ્યારે ઘણીવાર લોકો ઝડપથી જવાની લહાયમાં પ્લેટફોર્મ ઉપરથી જાય છે અને જો તેઓ ઝડપાઈ જાય તો તેમને દંડ પણ ભરવો પડે છે. આ અંગે સરસપુરના સ્થાનિક લોકો દ્વારા હાઈકોર્ટમાં બે વાર પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી જેમાં રેલવે દ્વારા ૩૧ માર્ચ ૨૦૧૩ સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું સોગંધનામું પણ રજૂ કરવામાં આવ્યું છતાં આજદિન સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે અમદાવાદમાં આવેલા ભૂકંપના પગલે કાલુપુર રેલવે ફૂટ ઓવરબ્રિજમાં તિરાડ પડી જતા તેને રેલવે દ્વારા સલામતીના નામે બંધ કરી દેવાયો હતો. આ બ્રિજ બંધ થતા હજારો લોકોને ૪ કિલોમીટર જેટલું ફરીને જવું પડતું હતું. જે અંગે રેલવે તંત્ર સમક્ષ અનેક વાર રજૂઆતો કરવા છતાં રેલવે તંત્ર દ્વારા બ્રિજ ચાલુ ન કરાતા છેવટે વર્ષ ૨૦૦પમાં સરસપુરના સ્થાનિક રહીશ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ હતી. જેમાં રેલવે દ્વારા મ્યુનિ. કોર્પોરેશન પાસે બ્રિજ બનાવવાની કિંમત પેટે કરાયેલ માંગણીના ભાગરૂપે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે તબક્કામાં ૨.૦૩ કરોડ રૂપિયા પણ રેલવેને આઈસીઆઈસીઆઈ બેંકના ચેકથી ચૂકવી દેવાયા હતા. જેથી રેલવે દ્વારા આ બ્રિજની કામગીરી ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં પૂર્ણ કરી દેવાની ખાતરી અપાઈ હતી.

બીજી બાજુ રેલવે દ્વારા ફૂટ ઓવરબ્રિજની કામગીરી વર્ષ ૨૦૧૨ સુધી પણ શરૂ ન કરાતા સરસપુરના રહીશે ફરીથી બીજી વાર હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેના પગલે રેલવે તંત્રે ફરીવાર ૩૧ માર્ચ ૨૦૧૩ સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવા સોંગંધનામું રજૂ કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે રેલવે દ્વારા આ બ્રિજ બનાવવા માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો હતો. પરંતુ આજદિન સુધી માત્ર બ્રિજના પિલરો જ ઊભા કરાયા છે અને આગળની કામગીરી ફરીથી ઠપ થઈ ગઈ છે.

- બ્લોક આપવામાં તકલીફ આવી રહી છે

હાલ વેકેશન દરમિયાન ફુલ સિઝન હોવાથી અનેક હોલિડે ટ્રેનો સહિ‌ત ટ્રેનોની સંખ્યા વધુ હોવાથી બ્લોક આપવામાં સમસ્યા આવી રહી છે. ભવિષ્યમાં શહેરની વસતીને અને ટ્રેનોની અવરજવરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહેલા બ્રિજના પિલરની કામગીરી થઈ ગઈ છે અને બ્લોક મળતા જ ઝડપથી આગળની કામગીરી પૂર્ણ કરી દેવાશે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બ્રિજની લંબાઈ વધારવા અંગે રજૂઆત કરાતા રેલવે દ્વારા કોર્પોરેશન પાસેથી વધુ રૂપિયા ૬૦ લાખની માગણી પણ કરવામાં આવી છે જે મળતા જ કાલુપુર સાઈડમાં પણ ઝડપી કામગીરી પૂર્ણ કરાશે.

- રેલવેની ઢીલી નીતિનો ભોગ બનતા હજારો નાગરિકો

સરસપુરને કાલુપુર સાથે જોડતા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં રેલવે દ્વારા કોઈ કામગીરી ન કરાતા છેવટે હાઈકોર્ટનો આશરો લેવો પડ્યો છે. જેના પગલે બબ્બે વાર રેલવે દ્વારા હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કરવા છતાં હજુ પણ રેલવે તંત્ર ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યું છે અને તેના પાપે હજારો લોકોને ૪થી પ કિલોમીટર વધારે ફરવું પડે છે. જ્યારે પ્લેટફોર્મ પરથી જતાં લોકો દંડાય છે.
- એ. જી. પઠાણ, હાઈકોર્ટમાં પીઆઈએલ કરનાર

- દોઢથી બે મહિ‌નામાં કામગીરી પૂર્ણ કરવા તૈયાર છીએ

હાલ ફૂટ ઓવરબ્રિજની કામગીરી ઠપ પડી હોવા અંગે પૂછવામાં આવતા રેલવે ફૂટ ઓવરબ્રિજની કામગીરી કરનારા ખોડલ કોર્પોરેશન કંપની, વિરમગામના માલિકે જણાવ્યું કે, હાલ રેલવે દ્વારા અમને બ્લોક આપવામાં આવતું નથી. જો અમને સમયસર બ્લોક આપવામાં આવે તો અમે દોઢથી બે મહિ‌નામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી આપી દઈશું. વધુમાં રેલવે દ્વારા બ્રિજની લંબાઈ વધારવાની પણ ચર્ચા છે જેના માટે સપ્લીમેન્ટ્રી પણ આપવી પડશે. નરેશભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર

- હાલ તૈયાર થઈ રહેલા બ્રિજની સાઈઝ

- ૧૭૦ મીટર બ્રિજની લંબાઈ
- ૨.પ મીટર પહોળાઈ
- ૮.૩ મીટર બ્રિજની ઊંચાઈ
- ૨ કરોડ બ્રિજ બનાવવાનો ખર્ચ