સુદીપે તેના મિત્રો માટે શું કરી બતાવ્યું?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુદીપે શાળાએ જઈને બેનને શું વિનંતી કરી?
પપેટશો 'સોપો પાડયો’ બાળકોએ માણ્યો


'એજ કે અમે બધા પૈસા કમાવવા માટે સિઝનમાં ધંધો કરીએ છીએ. કોઇ વગાડવા જાય છે, કોઇ ગાવા જાય છે, ને કોઇ ડાન્સ કરવા જાય છે. એટલે અમારી રજા માફ કરીને અમારું ભણવાનું ચાલુ કરાવો....હું ટાઇમ અને પૈસા નથી બગાડતો. હું ભણવા જાઉં છું. ટાઇમ અને પૈસા તો તમે બગાડો છો. આખો દિવસ રખડો છો, આમ તેમ ફરો છો, ચાઇના ફોન લાવવાની વાત કરો છો...ટાઇમ તો તમે બગાડી રહ્યા છો..’ આ ડાયલોગ્ઝ છે, સ્ટોરી ટેલિંગ ડેની ઉજવણીના ભાગ રૂપે મિરઝાપુર ખાતેના કોન્ફિલ્કટોરિયમ મ્યુઝિયમ દ્વારા યોજાયેલા પપેટ શો 'સોપો પાડ્યો’ના.

'એક પ્રાથમિક શાળામાં ભણતો છોકરો સુદીપ. જેના પિતા બહુ કમાતા નથી અને ઉપરથી દારૂની લત છે, માં બંગલાના કામ કરે છે, ઘરમાં થોડી તકલીફ છે, થોડી તકલીફ એટલે એક આખો ટંક જમવાનું મેળવવાની તકલીફ. છોકરો આ થોડી તકલીફને થોડી ઓછી કરી ઘરમાં ટેકો કરવા માટે લગ્નની સિઝનમાં ગાવા વગાડવાનું કામ કરે છે...પણ ભણવાની ધગશને આ થોડી તકલીફ ઓછી નથી કરી શકતી.

તેથી લાંબી રજા પાડયા બાદ શાળાએ જઇને બેનને વિનંતી કરે છે, 'બેન મારું લેસન જોઇ લો હું રમેશના ઘરે જઇને બધું લખવાનું લઇ આવતેલો અને લખતેલો...તે મારું લખવાનું તો કમ્પલેત જ છે..’તેની સાથે સાથે ઉત્સાહમાં આવીને બેન મારશે એ બીકે નિશાળે નહિં જતા તેના મિત્રો માટે પણ નિશાળે જવાની મંજૂરી લઇ લે છે અને બેન વાલી સાથે મોટા સાહેબની મળીને શાળામાં આવવાની મંજૂરી આપી દે છે.

ખુશીથી સુદીપ આખા મહોલ્લામાં ફરી વળે છે ને બધાને બીજે દિવસે વાલી સાથે મોટા સાહેબને મળવાના સમાચાર આપે છે. ત્યારે તેને બધા પાસેથી સરખો જ જવાબ મળે છે..'અમે ઇસ્કૂલે જાસુ તો ઘરનું કામ કોણ કરશે? તને ખબર છે ભણવામાં કેટલો ખર્ચો થાય છે? ને પછી પણ નોકરી મળે તો મળે નહિં તો ઠન ઠન ગોપાલ..લા..તારી કરઝનની વાતો તારી કને રાખ. અમારે તો નથી ભણવું ..આપડે તો રાજા છીએ ઐના...’ પણ આ રાજાને નથી ચેક વટાવતા આવડતો, નથી શેઠની હિ‌સાબ કિતાબની નોકરી ફાવતી કે મહોલ્લામાં સોપો પાડવા માટે લઇ આવેલો નવો ટચસ્ક્રીન મોબાઇલ ચલાવતા નથી આવડતો, તેનું કારણ અધુરું શિક્ષણ છે તે જોઇને સુદીપ તેના મિત્રોને ભણાવવા સમજાવે છે અને અંતે તેના મિત્રો બેન બોલસે નહિં એ શરતે સિઝન સિવાયના સમયમાં ભણવા તૈયાર થાય છે. આમ, આ છોકરાની ધગશ અને મહેનત રંગ લાવે છે.’

લોકોનો પ્રતિસાદ

નાટકના એક એક ડાયલોગ જાણે પોતાના માટે જ લખાયા હોય તે રીતે કોઇ એક ડાયલોગ પર લોકો તેને સંબંધિત વ્યક્તિઓ તરફ ઇશારા કરતાં અને તેને સૂચનો આપતાં જોવા મળ્યાં હતાં. નાટકના ડાયલોગ રૂપે ઉઠાવવામાં આવેલાં વિવિધ પ્રશ્નોના ઓડિયન્સમાં ઊભેલાં લોકો તરત જ જવાબ પણ આપતાં હતાં. પપેટ શોના અંતે લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને આ નાટક પરથી અભ્યાસનું અને સારી નોકરીનું મહત્વ સમજાયું છે. તો કોઇએ કહ્યું કે થોડું વધુ લાંબુ નાટક હોત તો વધુ મજા આવેત..તો એક બાળકે જણાવ્યું કે, તમે બહુ ફટાફટ ડાયલોગ ન બોલ્યા હોત તો મને વધુ સમજાત.

દામિની પટેલ : કો ઓર્ડિનેટર, કોન્ફિલ્કટોરિયમ મ્યુઝિયમ
સરળતાથી રિલેટ થયો


આ દિવસને ખાસ બનાવવા માટે મિરઝાપુરમાં એક ખાસ પપેટ શોનું આયોજન કરેલું. જેમાં આસપાસના વિસ્તારના બાળકો સાથે વાતચીત કરીને, તેમને મળીને તેમના જીવનની ઘટનાઓ અને પરિસ્થિતિઓને વણી લેતી વાર્તા બનાવીને અમે તેનું પપેટાઇઝેશન કર્યું. લોકો સરળતાથી રીલેટ કરી શકે તે માટે અમે તેમને ગમતા ગુજરાતી ગીતો, તેમની બોલચાલની ભાષા, તેમના વાક્ય પ્રયોગો, અને આદતોનો ઉપયોગ કર્યો. ત્રણ દિવસમાં કાર્યક્રમ તૈયાર કર્યો.