ડો. નિશા શાહને HOD પદેથી હટાવવાના નિર્ણયનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નીશા શાહની ફાઈલ તસવીર)
- પ્રદર્શન: સ્કૂલ ઓફ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓએ ધરણાં કર્યાં
- પીએચડીમાં પ્રવેશ પ્રક્રિયાનો વિવાદ ઘેરાયો
અમદાવાદ : ગુજ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં પીએચડીમાં ગેરકાયદે પ્રવેશ આપવાના પ્રકરણમાં સાયન્સ ફેકલ્ટીનાં ડીન ડો. નિશા શાહને કેમિસ્ટ્રીના એચઓડીપદેથી દૂર કરવાના આદેશના ઘેરા પ્રત્યાઘાતો કેમિસ્ટ્રી ભવનના વિદ્યાર્થીઓમાં પડ્યા છે. વિદ્યાર્થીઓએ શુક્રવારે સવારે સ્કૂલ ઓફ કેમિસ્ટ્રી ખાતે સત્તાવાળાઓએ લીધેલા નિર્ણયના વિરોધમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો.

વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિ સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને આ બાબતે ઓપન ડિબેટ કરવા માટેની માંગણી કરી છે. એબીવીપીએ કુલપતિને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ‘અમારી માંગણી છે કે પીએચડી માટેની ગુજ. યુનિ.ની કમિટી અને ઉચ્ચ સત્તાવાળા સાથે ઓપન ડિબેટ કરવામાં આવે.’ તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, આ નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજકીય દબાણથી કોઈ પણ તથ્ય જાણ્યા વિના લેવામાં આવ્યો છે. આ મનસ્વી િનર્ણય સામે જાહેરમાં ચર્ચા થવી જોઈએ. જો આ પ્રકરણમાં ગુજરાત યુનિ યોગ્ય નિર્ણય કે પગલાં લેશે નહિ તો એબીવીપી ઉગ્ર આંદોલન કરશે.
એનએસયુઆઈએ સરઘસ કાઢ્યું

ડો. નિશા શાહને એચઓડીપદેથી દૂર કરવાના નિર્ણયને આવકારતા એનએસયુઆઈએ સરઘસ કાઢ્યું હતું, જેમાં ભાગ લેનારા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, પીએચડી પ્રવેશમાં ગેરરીતિ મામલે ડો. નિશા શાહને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે પણ જ્યાં સુધી દૂર ન કરાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.’