રિવોલ્વર પર ઓનલી આર્મી લખેલું જોઇ પોલીસ ચોંકી ઉઠી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઢોલિયા કેસમાં લશ્કરી શસ્ત્રનો ફણગો

- મટકા કિંગ ઢોલિયાની હત્યા કરવા આવેલા શખ્સો પાસેથી આર્મીની રિવોલ્વર મળી

- રિવોલ્વર પર બાઝનું નિશાન પણ છે

મટકા કિંગ ઘનશ્યામ ઢોલિયાની હત્યા કરવા આવેલા ચાર શખ્સો પાસેથી મળેલી રિવોલ્વર પર ફક્ત આર્મી સપ્લાય તેમ લખેલું હોવાથી તે રિવોલ્વર આર્મીની હોવાનું ખૂલ્યું છે. બીજી તરફ ગેરકાયદે હથિયાર સપ્લાય કેવી રીતે થાય છે તે દિશામાં તપાસ હજુ બાકી છે. તદુપરાંત આ કેસમાં ઝડપાયેલા વિનોદ આંતરરાષ્ટ્રીય સટ્ટા સાથે સંકળાયેલો હોવાના પુરાવા ક્રાઈમ બ્રાન્ચને મળ્યા છે.

ઢોલિયાની હત્યા કરવા આવેલા રામવીર શર્મા, સુખવિંદર ગુર્જર, તુરક્તાલત બેગમ અને વિનોદ ભગતને ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે ઝડપી લીધા હતા. તે સમયે આરોપીઓ પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી. જેમાં બેરલની નીચેના ભાગે ૧૧૧ તથા બીજા ભાગે ૭.૬૫ રાઉન્ડ લખેલું હતું. આ ઉપરાંત તેના પર બાઝ પક્ષીનું નિશાન તથા અંગ્રેજી ભાષામાં ઓનલી આર્મી સપ્લાય પણ લખેલું હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઊઠી છે.

શું શું મળ્યું હતું :

- ૩૫ હજાર રોકડા

- ૮ કારતૂસ

- ખાલી મેગ્ઝીન

- ૦૧ રિવોલ્વર

આરોપીઓએ બે દિવસ રેકી કરી હતી : ઢોલિયાની હત્યા કરવા માટે આરોપીઓએ સાલ હોસ્પિટલ પાસે આવેલા ઢોલિયાના એસ.એન.ગિફ્ટ શો રૂમની આસપાસ જીજે-૧૬ એજે ૯૪૨૩ નંબરની સ્કોપિઓ(કાળા રંગની) ગાડીમાં બે દિવસ સુધી રેકી કરી હતી. જેમાં આરોપીઓની સાથે કોઇ સ્થાનિક વ્યક્તિ પણ હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કારના નંબરને આધારે તેના માલિકની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રામવીરે યુપીથી રિવોલ્વર ખરીદી હતી :

રિવોલ્વર રામવીરે ઉત્તર પ્રદેશના ઇટાવાના બંટુ ભદોરીયા પાસેથી ખરીદી હોવાનું આરોપીએ જણાવ્યું હતું. જો કે, આર્મી સપ્લાય માટેની રિવોલ્વર બંટુએ કેવી રીતે ક્યાંથી મેળવી તે મુદ્દે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

૧૦ લાખમાં સોપારી લીધી હતી :

ઢોલિયાને મારવા રામવીરે રૂ. ૧૦ લાખની સોપારી લીધી હતી. તેણે તુરક્તાલત બેગમનો સંપર્ક કરી પ્લાન સમજાવ્યો હતો. બાદમાં તેણે બેગમને પણ રૂ. ૨ લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. આરોપીઓએ હત્યાનું ષડયંત્ર ક્યાં ઘડ્યું તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે મુદ્દે પણ તપાસ જારી છે.