તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નમન સમાધાન માટે તૈયાર હતો પણ ભાટી પીધેલા હોવાથી આવ્યા જ નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંજરા પોળ ચાર રસ્તા નજીક નમન શાહ સાથે જાહેરમાં મારામારી કરીને તેને મારતા મારતા ગુજરાત યુનિવર્સિ‌ટી પોલીસ સ્ટેશન સુધી લઇ ગયેલા ડીઆઈજી કે.જી.ભાટી દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસ તેમને સારવારના બહાને પોલીસ સ્ટેશનમાંથી ખસેડી ગઇ હતી. જ્યારે બીજી બાજુ કેટલાક ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આ વાત આવતા તેમણે ભાટીને જાહેરમાં તમાશો કરવા બદલ રીતસર ખખડાવ્યા હતા. જેથી ભાટીએ દીકરા જયદેવસિંહને નમન સાથે સમાધાન કરી લેવા કહ્યું હતું. જો કે નમન અને તેના પરિવારના સભ્યો ભાટી સાહેબ રૂબરૂ આવે તો જ સમાધાન કરવાની વાતને વળગી રહ્યા હતા.


ડીઆઈજી કે.જી.ભાટી અને તેમનો દીકરો જયદેવસિંહ નમનને જાહેરમાં મારતા મારતા પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ જયદેવસિંહે પોલીસ સ્ટેશનમાં પીઆઈ વી.એમ.સેલર અને સ્ટાફની હાજરીમાં નમનને દંડા વડે અસહ્ય માર્યો હતો. દરમિયાનમાં ભાટીની આ કરતૂતો ઉપરી અધિકારીઅના ધ્યાન ઉપર આવતાં તેમણે ભાટીને રીતસર ખખડાવ્યા હતા. જેના કારણે તેમણે દીકરા જયદેવસિંહને નમન સાથે સમાધાન કરી લેવા દબાણ કર્યુ હતું.
જેથી જયદેવસિંહ સમાધાન કરવા તૈયાર થઇ ગયો હતો, પરંતુ નમન અને તેના પરિવારના સભ્યો એક જ શરતે સમાધાન કરવા તૈયાર થયા હતા કે ભાટીસાહેબને અમારી સામે લાવો. પરંતુ તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી સામે આવવા તૈયાર થયા ન હતા. જેના કારણે મામલો છેક ગુનો દાખલ થવા સુધી પહોંચી ગયો હતો.


દારૂ પીધો ન હતો તો સામે કેમ ન આવ્યા
નમનને આટલો બધો માર માર્યો હોવા છતાં તે અને તેના પરિવારના સભ્યો બધું ભૂલીને સમાધાન કરી લેવા તૈયાર થઇ ગયા હતા, પરંતુ તેમની એક જ શરત હતી કે એક વખત ભાટીસાહેબને અમારી સામે લાવો, પરંતુ ભાટીસાહેબ સામે આવ્યા ન હતા. જેના કારણે તેમણે દારૂ પીધેલો હોવાના આક્ષેપોમાં તથ્ય જણાઇ રહ્યું છે.

ભાટીસાહેબ આવ્યા હોત તો ફરિયાદ નોંધાવી ન હોત
મને ડીઆઈજી ભાટી અને તેમના દીકરા જયદેવસિંહે વગર વાંકે જાહેરમાં અસહ્ય માર માર્યો હતો, પરંતુ મને જ્યારે ખબર પડી કે ભાટીસાહેબ આઈપીએસ અધિકારી છે તો હું સમાધાન કરી લેવા તૈયાર થઇ ગયો હતો, પરંતુ મારા પરિવારની ઇચ્છા હતી કે અમારા દીકરાને આટલો બધો માર મારનાર ભાટીસાહેબને એક વખત જોવા છે. જેથી તેમને બોલાવી રહ્યા હતા. જો તે પોલીસ સ્ટેશન આવી ગયા હોત તો અમે ફરિયાદ નોંધાવી ન હોત. નમન શાહ, ભોગ બનનાર