કલગીએ જગ્યા બદલ્યાની આશંકાથી પોલીસ તપાસ શરૂ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુખ્યાત સટ્ટાકિંગ દિનેશ કલગીની અમદાવાદની ક્લબો પોલીસે બંધ કરાવી દેતાં તેણે અમદાવાદ અને ખેડાની વચ્ચે આવેલાં બે ગામમાં જુગારની ક્લબો શરૂ કરી હોવાની માહિ‌તી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની ક્લબો બંધ હોવાથી શ્રાવણ માસમાં ફાયદો ઉઠાવવા આ ક્લબો શરૂ કરાઈ હોવાની ચર્ચા છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની છત્રછાયા હેઠળ આ ક્લબો શરૂ કરાઈ છે. તાજેતરમાં જ પોલીસે દિનેશ અને તેના ગોડફાધર મહેન્દ્ર મુખીની પાલડીના સુદામા રિસોર્ટમાં ચાલતી ક્લબ પર દરોડા પાડયા હતા. આ કેસમાં દિનેશ કલગીની ધરપકડ થઈ છે, જ્યારે તેનો ગોડફાધર મહેન્દ્ર કલગી હજી પણ નાસતો ફરે છે. તે હાલમાં અમદાવાદમાં જ છુપાયો હોવા છતાં પોલીસ અગમ્ય કારણોસર તેની ધરપકડ નહીં કરતી હોવાની ચર્ચા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિમાંથી કરોડો રૂપિયા કમાઈ લેવા દિનેશ કલગીએ અમદાવાદ અને ખેડાની વચ્ચે આવેલાં બે ગામમાં ગુરુવારથી બે ક્લબો શરૂ કરી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ બંને ક્લબોની દેખરેખ મુલ્લા, જી.જી., બી.એન., ડી.કે. અને એમ.એસ.ના કોડનેમ ધરાવતા કલગીના ફોલ્ડરો કરશે. પોલીસે આ અંગે ગુપ્તરાહે તપાસ શરૂ કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.