'મન્ડે ગેંગ’ના ડરે સવારથી જ પોલીસ બેંકો આગળ પહેરો ભરતી થઈ ગઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લારી-ગલ્લાવાળાઓને દમ મારતી પોલીસ તેમની સાથે પ્રેમથી વાત કરતી થઈ ગઈ

સોમવારે બેંકોમાં પૈસા ભરવા કે પૈસા ઉપાડવા જતા વેપારીઓને ટાર્ગેટ બનાવી લૂંટ કરતી 'મન્ડે ગેંગ’ (લુટારું ગેંગ)એ ગયા સોમવારે શહેરમાં કાળો કેર વર્તાવ્યો હતો. માત્ર બે કલાકમાં જ આ ગેંગે શહેરમાં ત્રણ સ્થળોએ લૂંટ કરીને રૂપિયા ૪૨ લાખ રોકડા બેંકો આગળથી લૂંટીને ભાગી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. ત્યારે સોમવારે ફરીથી આવી કોઇ લૂંટની ઘટના ના થાય તે માટે પોલીસે સવારથી જ શહેરની બેંકો, આંગડિયા પેઢી, ઝવેરી બજાર, સોના-ચાંદી બજાર સહિ‌ત અન્ય સ્થળે પહેરા ભરવાની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે શહેરમાં ત્રાટકેલા લૂંટારુંઓ સબ સલામતના દાવા કરતી અમદાવાદ શહેર પોલીસના ગાલે તમાચો મારી માત્ર બે કલાકમાં જ ત્રણ લૂંટ કરી રૂપિયા ૪૨ લાખની લૂટ ચલાવી હતી. જોકે અઠવાડિયા બાદ પણ પોલીસ હજુ આ લૂંટ કેસની તપાસ જ કરી રહી છે અને ફરી સોમવારે ગત સોમવારનું પુનરાવર્તન ના થાય તેના માટે સવારથી જ શહેભરની પોલીસ બેંક, આંગડિયા પેઢી, ઝવેરી બજાર, સોના-ચાંદીનાં બજાર આંગળ આંટા મારતી થઇ ગઇ હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસવાળાઓને બાતમીદારો બનાવવાની સૂચના આપી હોવાથી પોલીસવાળા મુખ્ય માર્ગો પર અને જે માર્ગો પર ચોરી અને લૂંટની વધુ ઘટનાઓ બનતી હોય છે ત્યાં બેસતા લારી-ગલ્લાવાળાઓને પોલીસ પોતાના નંબર આપી જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા જણાવતા હતા.

લૂંટકેસના અઠવાડિયા બાદ પણ પોલીસ અંધારામાં :

શહેરમાં ધડાધડ લૂંટ થવાની ઘટનાને એક અઠવાડિયું પૂરું થઇ ગયું તેમ છતાં પોલીસને આ લૂંટારું ટોળકીની કોઇ બાતમી કે માહિ‌તી હજુ સુધી મળી નથી. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ જુદી જુદી ટીમો બનાવી કામ કરી રહી છે. પોલીસ કર્મચારીઓ લૂંટારુંઓને ઝડપી લેવા વાહનચેકિંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ લૂંટનો ભેદ આપણી પોલીસ ઉકેલી શકે છે કે કેમ?

ઉચ્ચ અધિકારીઓ ફરજ પર હાજર થઇ ગયા :

શહેરમાં થયેલી લૂંટની ઘટનાઓ બાદ રાજ્યના પોલીસવડાએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી હતી અને રજા પર ગયેલા અધિકારીઓને ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો. આ આદેશને પગલે એસ. જી. ભાટી અને ડીસીપી મહેશ નાયક રજાઓ ટુંકાવીને ફરજ પર હાજર થઇ ગયા છે, પરંતુ સેક્ટર-૧ના સંયુક્ત પોલીસ કમિશનર અજય તોમર હજુ સુધી પરત ફર્યા નથી જેથી સેકટર વન તો નધણિયાતું જ છે.