વેપારીઓમાં બૂમરાણ: દિવાળી પૂર્વે ડ્રાયફ્રૂટ્સમાં 20 ટકા જ ઘરાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં પૂરના કારણે અખરોટનો જથ્થો પણ ઓછો આવ્યો
અમદાવાદ: દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડ્રાયફ્રૂટ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. હાલ ચાલુ વર્ષે 20 ટકા જેટલી જ ઘરાકી હોવાથી વેપારીઓમાં પણ ડ્રાયફ્રૂટ બજારમાં મંદીની બૂમો પડવા લાગી છે. જ્યારે શહેરના જાણીતા ડ્રાયફ્રૂટના વેપારીઓ પોતાના દુકાનમાં પડી રહેલા માલને લઈને ચિંતિત થઈ ઊઠ્યા છે. એક તરફ મંદી છે ત્યારે બીજી બાજુ વેટના અધિકારીઓ દ્વારા દરોડા પાડી વહીવટ કરી જતા વેપારીઓ ખોટમાં ધંધો કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
દિવાળીમાં કાજુ, બદામ જેવા ડ્રાયફ્રુટની દર વર્ષે માંગ વધી જતી હોય છે. ત્યારે વેપારીઓ દ્વારા પણ તહેવારોના દિવસોમાં ડ્રાયફ્રુટનો મોટો હિસ્સો સંગ્રહ કરી રાખતા હોય છે. કાલુપુરમાં વર્ષોથી ડ્રાયફ્રુટનો હોલસેલનો ધંધો કરતા વેપારીએ ચાલુ વર્ષે તહેવારો અગાઉના દિવસોમાં ભાવવધારાને કારણે ડ્રાયફ્રુટ બજારોમાં મંદી છવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. શહેરનો વ્યાપ વધતા મોલમાં તેમજ વેપારીઓએ સેટેલાઈટ, વસ્ત્રાપુર અને સોલા વિસ્તારોમાં ડ્રાયફ્રુટની મોટી દુકાનો ખોલી નાખતા કાલુપુર જેવા જૂના હોલસેલના બજારોમાં પણ ગીરદી ઓછી જોવા મળી રહે છે. જોકે શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોના તમામ વેપારીઓના ગોડાઉનમાં ડ્રાયફ્રુટનો માલ પડી રહેતા તેઓ પોતપોતાની રીતે ઓછા ભાવે પણ માલ વેચતા જોવા મળી રહ્યાં છે.
અખરોટનો જથ્થો ઓછો આવ્યો
કાશ્મીરમાં પૂરની સ્થિતિ આવતા અખરોટનો જથ્થો પણ આ વખતે ઓછો આવ્યો હોવાનું વેપારી સૂત્રો કહે છે. જે જથ્થો આવ્યો છે, તેની કિંમત પણ ઊંચી બોલાય છે, જેમાં ફોલેલા અખરોટની કિંમત 1800 રૂપિયા કિલો તેમ જ આખા અખરોટની કિંમત 800 રૂપિયા કિલો બોલાઈ રહી છે. ત્યારે આટલી ઊંચી કિંમતના અખરોટ કોઈ જલદી ખરીદવા તૈયાર થતું નથી. ફોલેલા અખરોટ 1800, આખા અખરોટ 800, દ્રાક્ષ 350થી 400, બદામ 400થી 500, કાજુ ની કિંમત 600 રૂપિયા કિલો બોલાઈ રહી છે.
વેપારીઓએ મીઠાઈના ભાવ ઘટાડ્યા
ડ્રાયફ્રૂટના ભાવો વધતા મીઠાઈઓના વેપારીઓએ પણ કાજુકતરી, બદામ, હલવો જેવી મીઠાઈના એકસમયે ભાવ વધારી દીધા હતા, પરંતુ ઊંચા ભાવને કારણે મીઠાઈઓનું પણ વેચાણ ઓછું થતા મોટા વેપારીઓએ 5થી 10 ટકા જેટલા ભાવો ઓછા કરી મીઠાઈઓ વેચવાનો વારો આવ્યો છે.