પતિ-દીકરાઓએ જુગાર રમવા જવા ન દેતાં મહિ‌લાએ મારી મોતની છલાંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જજિસ બંગલા રોડ પરના પોશ વિસ્તારનો કિસ્સો ભદ્ર સમાજ માટે લાલ બત્તી સમાન છે
- જુગારની લત ધરાવતી વેપારીની પત્નીએ બીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી
અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના બોડકદેવ વિસ્તારમાં પતિ અને બે દીકરાઓએ જન્માષ્ટમીના દિવસે જુગાર રમવાની ના પાડી દેતા મનમાં લાગી આવતા કાપડના વેપારીની પત્નીએ ફલેટના બીજા માળેથી છલાંગ મારી આત્મહત્યા કરી લીધી હતી. બોડકદેવ જજીસ બંગલા રોડ ઉપર આવેલા વાઈસ રોય વીલે નામના અત્યંત વૈભવી ટાવરના ફલેટ નંબર-સી-૨૦૧માં રમેશભાઇ આહુજા પત્ની સુનિતાબહેન(૪૨) અને બે દીકરા સાથે રહે છે. રેવડી બજારમાં કાપડની દુકાન ધરાવતા રમેશભાઇ રવિવારની રજાના દિવસે જમી પરવારીને પરિવાર સાથે સૂઇ ગયા હતા.

મોડી રાતે ૧.૪પ વાગ્યે ટાવરના રહીશોએ જોરથી કંઇક પડવાનો અવાજ સાંભળ્યો અને તે દિશામાં જઇને જોયું તો સુનિતાબહેન લોહીલુહાણ હાલતમાં પડયાં હતાં. સુનિતાબહેનની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. જો કે ૧૦૮ની ટીમે ચેક કરતા સુનિતાબહેનને મૃત જાહેર કર્યાં હતાં. આ ઘટનાએ રહીશોમાં ભારે ચકચાર મચાવી દીધી દીધી હતી. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ જયંતીભાઇ બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. આ અંગે પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે રમેશભાઇ અને તેમના બંને દીકરાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુનિતાબહેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતાં હતાં અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.

તેમણે પોલીસને જણાવ્યું હતું કે સુનિતાબહેનને જુગારની લત હતી જેથી તે અવારનવાર તેમના ગ્રૂપમાં તેમજ કીટી પાર્ટીના બહાને જુગાર રમતા હતા. જેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જો કે સામાન્ય દિવસોમાં જુગાર રમવાનો મોકો નહીં ચૂકતા સુનિતાબહેનને તેમના પતિ અને બે દીકરાઓએ જન્માષ્ટમીના તહેવારમાં જુગાર રમવા જવા દીધા ન હતા. જે વાતનું મનમાં લાગી આવતા સુનિતાબહેને બીજા માળે આવેલા તેમના ફલેટમાંથી નીચે પડતું મૂક્યું હતું. પોલીસે સુનિતાબહેનનો મૃતદેહ પોસ્ટર્મોટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

લતને કારણે ઘરમાં રોજ કંકાસ થતો હતો

રમેશભાઇ અને તેમના બંને દીકરાઓએ પોલીસને જણાવ્યું હતું કે સુનિતાબહેનને જુગાર રમવાની ટેવ પડી ગઇ હતી. તેમને ના પાડીએ તેમ છતાં તે કોઇનું સાંભળતા ન હતા અને જુગાર રમવા જતા રહેતા હતા. જેના કારણે ઘરમાં રોજેરોજ કંકાસ થતો હતો. અંતે રવિવારે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

મહિ‌લા માનસિક રીતે પણ બીમાર હતી

સુનિતાબહેન છેલ્લા કેટલાય સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. જેથી તેઓ માનસિક રીતે બીમાર હોવા ઉપરાંત જુગાર રમવાની ટેવના કારણે પતિ અને બે દીકરા સાથે ઝઘડા થતા હોવાથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. -જયંતિભાઇ બ્રહ્મભટ્ટ, એએસઆઈ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન