તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • One Crore Wasted In Videogrphy In Middle Zone In Ahmedabad

મ.ઝોનમાં ગટરની સફાઈ ચકાસવા વીડિયોગ્રાફીમાં એક કરોડનું આંધણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં વરસાદની સિઝન પહેલા કરોડો રૂપિયા ખર્ચીને ડ્રેનેજ લાઇનો ડિસિલ્ટિંગ કરવામાં આવી હોવાનો અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો અને અમલદારોએ દાવો કર્યો હતો પણ વરસાદના બે ઝાપટાંમાં ચોકઅપ થયેલી ગટર લાઈનોએ મ્યુનિ. સત્તાવાળાઓના ગેરવહીવટની પોલ ખોલી નાંખી હતી. એટલું જ નહીં, ખાતર પર દિવેલ જેવો ઘાટ કરતા આપણા મ્યુનિ.ના બાબુઓએ એકલા મધ્યઝોનમાં જ ડિસિલ્ટિંગની કામગીરી થઇ છે કે કેમ તે ચકાસવા માટે ડ્રેનેજ લાઇનમાં સીસીટીવી કેમેરા ઉતારીને વિડિયોગ્રાફી કરાવી અને તેની સીડી બનાવવાની કામગીરી પાછળ રૂ.૧ કરોડનું આંધણ કરી નાંખ્યું. હદ તો ત્યાં છે કે આગામી વરસાદની સિઝન આવે તે પહેલા અમદાવાદ શહેરના દરેક ઝોનમાં આ રીતે ડિસિલ્ટિંગની કામગીરી કરાશે, એટલે વધુ કરોડોનો ધુંબો મારવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે ૨૦૧૨-૧૩માં જે રૂા. ૧.૧૬ કરોડની ગ્રાંટ ફાળવી હતી, તેનો બારોબાર વહીવટ કરી નાંખવા કોર્પોરેશનના અધિકારીઓએ સ્પેશિયલ ઠરાવ કરીને ડિસિલ્ટિંગની કામગીરી ચેક કરવા માટે સીસીટીવી કેમેરા વાપરવાની કામગીરીના નામે બારોબાર વાપરી નાંખી હતી. આમાં મધ્યઝોનના રાયખડ, દૂધેશ્વર, ગિરધરનગર, કાલુપુર, જમાલપુર અને ખાડિયા ર્વોડને આવરી લેવાયા હતા. ડિસિલ્ટિંગની કામગીરી ખરેખર થઇ છે કે કેમ તે ચેક કરવા માટે અમદાવાદ મ્યુનિ.ના અમલદારોએ કોન્ટ્રાક્ટરોને કામ સોંપ્યું હતું. આ અંતર્ગત ગટરની અંદર કેમેરા ઉતારીને નિયત માપમાં ડિસિલ્ટિંગ થયું કે કેમ તે ચકાસવા રૂા. ૧ કરોડનું આંધણ કરીને વીડિયો રેકર્ડિંગ કરાયું હતું. આ અંગે વોટર કમિટીના ચેરમેન સુરેશભાઇ પટેલે જણાવ્યું કે,'મધ્યઝોનમાં ખાસ ડિસિલ્ટિંગની કામગીરી બાદ સીસીટીવી કેમેરા મુકીને ડિસિલ્ટિંગ કરાયું છે કેમ તેની ચકાસણી કરાઇ હતી જેની પાછળ થયેલો ખર્ચ વધુ પડતો ન કહેવાય.’