તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારના અધિકારીઓએ શહેરની દિશા-દશા બગાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર-વિસ્તારોની સમસ્યાઓ સમજે તે પહેલાં બદલી થઈ જતી હોય છે
ઘરેથી સીધા ઓફિસ આવી કામ કરવાની ટેવે ઝોનની ઘોર ખોદી


શહેરમાં પડેલા વરસાદથી મ્યુનિ. તંત્રની પોલ ખૂલી ગઈ છે. વહીવટી તંત્રમાં રાજ્ય સરકારમાંથી આવેલા અધિકારીઓને ભૌગોલિક જ્ઞાન નહીંવત્ હોવાથી ડ્રેનેજ, રસ્તા, હેલ્થ તથા સ્ટ્રીટ લાઇટની વિકટ સ્થિતિ સર્જા‍ઈ છે. છમાંથી ચાર ઝોનમાં સરકારી અધિકારીઓ વહીવટ સંભાળી રહ્યા છે. ઘરેથી સીધા ઓફિસે આવતા આ અધિકારીની કાર્યપ્રણાલીએ મ્યુનિ. તંત્રની ઘોર ખોદી છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારમાંથી આવતા અધિકારીઓની સંખ્યામાં વધારો થયો છે. આ અધિકારીઓ ત્રણ વર્ષ નોકરી પૂરી કરી બદલાઈ જતા હોય છે. જ્યાં માંડ માંડ શહેર શું છે, તેની સમસ્યા શી છે તેનું જ્ઞાન મળે ત્યાં તો તેમની બદલી થઈ જતી હોય છે અને નવા અધિકારીઓ આવી જતા હોય છે.

હાલ મ્યુનિ.ની છ ઝોનમાંથી ચાર ઝોનમાં સરકારમાંથી આવેલા અધિકારીઓ છે. આ ચાર ઝોનમાં સરકારી અધિકારીઓ હજુ ઝોનમાં શું ચાલી રહ્યું છે તે સમજી રહ્યા છે. આ સ્થિતિમાં તાજેતરમાં પાંચ ઈંચ વરસાદ પડતાં તેમની પોલ ખૂલી ગઈ છે. સરકારમાંથી આવતા અધિકારીઓને મ્યુનિ.ના અધિકારીઓ ગાંઠતા નથી તેમ જ કોઈ પણ પ્રશ્નમાં પોતાની રીતે ઉકેલવા ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોરે છે. શહેરના મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, નવા પ‌શ્ચિ‌મ ઝોનમાં હાલ સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આ વિસ્તારમાં પ૦ ટકા જેટલી સ્ટ્રીટ લાઈટ્સ બંધ છે. સ્ટ્ર્રોમ વોટર, ડ્રેનેજ લાઈનનું ડીશીલ્ટિંગ નહીં થવાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી વિગેરે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સરકારમાંથી આવતા અધિકારીથી નુકસાન શું?
આ અધિકારીઓ ભૌગોલિક સ્થિતિને જાણતા નથી છતાં તેમને રોજબરોજ નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે ઝોનની જવાબદારી સોંપવામાં આવે છે, જેના કારણે પાણી, ગટર, સફાઈ જેવા પ્રશ્નોના નિવારણમાં સમય લાગી જાય છે. સ્થાનિક અધિકારીને કારણે પ્રશ્નોના ઝડપથી ઉકેલ આવી શકે છે.

સ્થાનિક અધિકારીની કામગીરીથી ફેર પડે
રાજ્ય સરકારમાંથી આવેલા અધિકારીઓ કરતાં સ્થાનિક અધિકારીઓની કામગીરી વધુ સારી હોય છે અને તેનાથી ફેર પડે, કારણ કે સ્થાનિક અધિકારી સ્થાનિક પ્રશ્નો તથા ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. ઘણા પ્રશ્નોનું નિવારણ થઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી
ફાઈલો પરનો ફેવરિટ શબ્દ ચર્ચા કરવી, સ્પષ્ટ જણાવો
સરકારમાંથી આવેલા અધિકારીને કોઈ કામમાં સમજણ ના પડે તો 'ચર્ચા કરવી’ અથવા સ્પષ્ટ જણાવો’ તેવું ફાઇલ પર નોટિંગ કરી ફાઈલ્સ ટલ્લે ચડાવી દે છે. પાણીની પાઈપ લાઇન બદલવી, ફૂટપાથ, ચેમ્બર બનાવવા, વોશ આઉટ કરવું એવા કામમાં પણ અધિકારીઓ નોટિંગ કરે છે.

સરકારમાંથી કયા અધિકારી આવ્યા
ડી.પી. દેસાઈ-નવો પ‌શ્ચિ‌મ ઝોન, સી.આર. ખરસાણ-દક્ષિણ ઝોન, એમ. થેન્નારસન-મધ્ય ઝોન, જે.એમ. લૂણી-ઉત્તર ઝોન, આઈ. કે. પટેલ-વહીવટ

સરકારી અધિકારીથી આ પ્રશ્નો સર્જા‍યા
ડ્રેનેજ, સ્ટ્રોમ ર્વોટર, ડ્રેનેજ લાઈનનું પૂરેપૂરું ડીશીલ્ટિંગ નહીં હોવાના કારણે માત્ર પાંચ ઈંચ વરસાદમાં પાણી ઠેર ઠેર ભરાઈ ગયાં.
રોજે રોજ રાઉન્ડ ન લેતા હોવાથી અડધા શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે.
નીચેના અધિકારીઓને સાહેબ કહેવાથી તેઓ ડે.મ્યુનિ. કમિશનરને ગાંઠતા નથી.
ઝોનમાં થતા રોડ રિસર્ફેશિંગના કામમાં હલકી ગુણવત્તાવાળો માલ વપરાયો, પરંતુ ડે. મ્યુનિ. કમિશનરે આદત મુજબ તપાસ નહીં કરતાં વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા.

ઠેર ઠેર કચરાના ઢગલાઓ.
હોસ્પિટલમાં ડોક્ટરોની ગેરહાજરીથી દર્દી‍ઓ પરેશાન.
સ્થળ પર નિર્ણય લેવામાં સરકારી અધિકારીની પીછેહઠ.