દિલ્હી અને જયપુરની જેમ અમદાવાદમાં પણ હવે જંતર-મંતર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમદાવાદનાં રિવરફ્રન્ટનાં સુભાષબ્રિજ-દુધેશ્વરનાં પટ્ટામાં વિશાળ પાર્કમાં જંતર-મંતરની જેમ સન ડાયલ અને સ્ટેપ ગાર્ડન, થોટ ગાર્ડન, ગાંધી વોક વે, મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફી થિયેટર પણ બનશે
- ૧ લાખ ચો.મી.માં ગાઢ જંગલ બનશે
- ૬૫,૦૦૦ સ્ક્વેર મીટરમાં થીમ ગાર્ડન

દિલ્હી અને જયપુરની જેમ હવે અમદાવાદમાં પણ જંતર-મંતરની તર્જ પર સૂર્યનાં કિરણો આધારિત ઘડિયાળ બનવા જઇ રહી છે. માનવામાં ન આવે તેવી આ વાત સાચી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનાં ભાગરૂપે પાંચ વિશાળ ગાર્ડન બની રહ્યા છે.

જેમાંથી સુભાષબ્રિજ-દુધેશ્વરબ્રિજ વચ્ચે નદીનાં પૂર્વ કિનારે આશરે ૬૫,૦૦૦ સ્કવેર મીટરમાં બનનારું ગાર્ડન થીમ ગાર્ડન હશે. આ ગાર્ડનમાં થીમ બેઝ્ડ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી જંતરમંતરની થીમ પરનાં એરિયામાં સૂર્યનાં કિરણોને આધારે સમય બતાવતી ‘સન ડાયલ’, સ્ટેપ ગાર્ડન, થોટ ગાર્ડન જેવા એરિયા પણ થીમ ગાર્ડનમાં જોવા મળશે.

આ ઉપરાંત, વાસણા બેરેજથી આંબેડકર બ્રિજ વચ્ચેનાં પશ્ચિમ કિનારે રિવરફ્રન્ટમાં એક લાખ ચો. મીટર ધરાવતો શહેરની અંદરનો સૌથી મોટો ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં ૧૦૧ જાતનાં વૃક્ષો વાનીને અમદાવાદનાં પક્ષીઓ માટેની સૌથી મોટી ઇકો સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. ઉસ્માનપુરાથી ગાંધીબ્રિજ, એલિસબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે અને સરદારબ્રિજ પાસે પૂર્વ કિનારે પણ રિવરફ્રન્ટમાં વિશાળ ગાર્ડન બની રહ્યા છે.

સુભાષબ્રિજથી દુધેશ્વરબ્રિજ- થીમ પાર્ક :

- ૬૫,૦૦૦ ચો.મી.નો થીમ પાર્ક. ડિસેમ્બર સુધીમાં અડધો તૈયાર.
- જંતર મંતર સન ડાયલ, સ્ટેપ ગાર્ડન, થોટ ગાર્ડન, ગાંધી વોક વે, એમ્ફીથિયેટર.
- થોટ ગાર્ડનમાં મહાન લોકોએ કહેલા તેમજ અન્ય સુવિચારો હશે.
- સ્ટેપ ગાર્ડનમાં સ્ટેપ્સ પર ગાર્ડનને ડેવલપ કરાશે.
- ગાંધી વોક વેમાં ગાંધીજીનાં વિચારોને વિવિધ રીતે રજુ કરાશે. વોક વે માટે ગાંધી આશ્રમનાં સંચાલકોની મદદ લેવાશે.

રિક્રિએશન સાથે પર્યાવરણનો ખ્યાલ :

આ વિશે અમદાવાદ મ્યુનિ. કમિશનર ડૉ. ગુરુપ્રસાદ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદનાં ગ્રીન કવરને વધારવામાં રિવરફ્રન્ટ પર બનનારા વિવિધ ગાર્ડન્સ મહત્વનો ભાગ ભજવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર બનનારા વિવિધ ગાર્ડન્સ અનોખા હશે. શહેરીજનોને અમે વાસાણા પાસે નદી કિનારે ૭,૦૦૦ વૃક્ષો ધરાવતું જંગલ પ્રકારનું ગાર્ડન આપવા જઇ રહ્યા છીએ. ઓક્સિજન એનરિચમેન્ટની ઓપોચ્યુંનિટી આ ગાર્ડન પૂરું પાડશે. સુભાષબ્રિજ પાસેનાં ગાર્ડનને વિવિધ થીમ સાથે ડેવલપ કરાઇ રહ્યો છે.

વાસણા-આંબેડકર બ્રિજ વચ્ચે ગાઢ જંગલ :

- વાસણા બેરેજથી આંબેડકર બ્રિજ વચ્ચે અમદાવાદનું સૌથી મોટું અર્બન ડેન્સ ફોરેસ્ટ.
- એક લાખ ચો.મી.માં, ૧૦૧ જાતનાં ૭૦૦૦ વૃક્ષો વવાશે.
- પરંપરાગત વૃક્ષોની સાથે રગતરોયડો, વાવયણો, રુખડો જેવા રેર ટ્રીઝ. સેતુર, જાંબુ, દેશી આંબો પણ હશે.
- પક્ષીઓનાં માળા, ખોરાક માટે ખાસ ઊંચા વૃક્ષો.
- પબ્લિક માટે ઇન્ટરનલ વોક વે સાથે નદી કિનારે ગઝીબો બનાવાશે.