મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરોની ભરતીમાં ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સત્તાવાળાઓને જવાબ રજુ કરવા હાઇકોર્ટનો આદેશ મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર્સના અનામત કેટેગરીના ઉમેદવારોની ભરતીમાં ભારોભાર ગેરરીતિ અને અન્યાયના મુદ્દે થયેલી રિટ પિટિશનમાં હાઇકોર્ટના જસ્ટિસ કે.એસ.ઝવેરીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગના ત્રણ સચિવો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, હેલ્થ કમિશનર વગેરેને નોટિસ પાઠવી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટ સમક્ષ લતેશ અમરતલાલ અને અન્યોએ આશરે ૪૫૦૦ જેટલા ઉમેદવારોની ભરતીના મુદ્દે એડવોકેટ દગિંત પી.જોષી મારફતે રિટ કરી એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,‘મલ્ટપર્પિઝ હેલ્થ વર્કર્સના અનામત કેટેગરીના ઉમેદવારોની ભરતી માટે જાહેરનામું કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સાલ ૨૦૦૦ની નીતિ પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું હતું કે,સામાન્ય વર્ગના ઉમેદવારોને જે ધોરણો લાગુ પડે છે એ જ ધોરણો અનામતના ઉમેદવારો જો પસંદગી પામે તો બિનઅનામતની જગ્યાએ ભરતીમાં લેવાશે. એટલું જ નહીં એવું પણ જણાવાયું હતું કે, જે ઉમેદાવારો હાલ વર્કર્સ તરીકે કાર્યરત હોય તેઓ જરૂરી લાયકાત ધરાવતા હોય તો તેમને ઉંમરબાધ નડશે નહીં. તેમ છતાંય આવા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા લાગુ પાડી દેવામાં આવી છે. તેથી અનેક ઉમેદવારો નોકરીથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઇ છે. વધુમાં એવી રજુઆત કરાઇ હતી કે,‘‘સરકારનો આ નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે. તેમણે અનામત કેટેગરીના ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા, પરંતુ પોસ્ટિંગ આપી નથી. સામાન્ય કેટેગરી કરતા વધુ માર્ક્સ લાવનારને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા નથી. આમ બધી રીતે અનામત ઉમેદવારો સાથે ભેદભાવ રખાયો છે.’