ડેવલપમેન્ટ ફંડ ન ભરનારી બીકોમ-બીબીએની ૧૦ કોલેજોને નોટિસ ફટકારાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત યુનિવર્સિ‌ટીનું આકરું વલણ
- ફંડ ન ભરે તો કોલેજોને 'નો એડમિશન ઝોન’માં મૂકી દેવાની ચીમકી


ગુજરાત યુનિવર્સિ‌ટીમાં કોમર્સ -બીબીએ શાખાની કોલેજોમા પ્રવેશ પ્રક્રિયાની વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિ‌ટી તંત્રએ છેલ્લા ઘણાં વર્ષોથી ડેવલપમેન્ટ ફંડ ન ભરનારી ૧૦ જેટલી સ્વ નર્ભિર બીકોમ-બીબીએ (ત્રણ બીકોમ, સાત બીબીએ) કોલેજોની સામે લાલ આંખ કરીને આ કોલેજોની બાકી રૂ. ૧.૯પ કરોડની ઓવરઓલ ડેવલપમેન્ટ ફંડની રકમ ભરવા માટેની શો કોઝ નોટિસ ફટકારી છે. આ કોલેજો સાત દિવસની અંદર ડેવલપમેન્ટ ફંડની રકમ નહીં ભરે તો તેમને 'નો એડ્મિશન ઝોન’માં મૂકવાની ચીમકી પણ યુનિ.એ આપી છે. જો આવું થશે તો આ કોલેજોને આપોઆપ વર્તમાન વર્ષની પ્રવેશ પ્રક્રિયાથી બાકાત રહેવું પડશે.

ગુજરાત યુનિવર્સિ‌ટી તંત્ર દ્વારા સતત છ વર્ષ સુધી ડેવલપમેન્ટ ફંડ ન ભરનારી ત્રણ કોમર્સ કોલેજો પાસેથી પ્રત્યેક કોલેજ દીઠ પ્રતિ વર્ષ રૂ. પાંચ લાખના હિ‌સાબે સતત છ વર્ષના રૂ. ૩૦ લાખ લાખ જમા કરાવવા માટેનો આદેશ કરાયો છે. જે અંતર્ગત ઉપરોક્ત ત્રણ કોલેજોને રૂ.૯૦ લાખનો ફંડ જમા કરવાની ફરજ પડશે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી ડેવલપમેન્ટ ફંડ ન ભરનારી સાત જેટલી બીબીએ કોલેજોમાંથી પ્રત્યેક કોલેજ દીઠ પ્રતિ વર્ષ રૂ. સાડા સાત લાખના હિ‌સાબે બે વર્ષની રૂ. ૧પ લાખની ડેવલપમેન્ટ ફંડની રકમ સાત દિવસમાં જમા કરાવવા માટે કહેવાયું છે. જે અંતર્ગત સાત બીબીએ કોલેજને રૂ. ૧ કરોડ પાંચ લાખનું ડેવલપમેન્ટ ફંડ જમા કરવું પડશે.

- કઈ કોલેજોને નોટિસ

૧.શેઠ સી.એલ. કોમર્સ કોલેજ, રખિયાલ રોડ,અમદાવાદ
૨.એન.એમ. ઝાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,નરોડા
૩.આર.જી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાણંદ
સ્વ નર્ભિર બીબીએ કોલેજ
૪.શ્રી ઉમિયા બીબીએ આર્ટ્સ કોલેજ,સોલા
પ. દિવાળી બા ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન, એણાસણ,નરોડા-દહેગામ રોડ
૬. રૂદ્ર કોલેજ ઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન, વહેલાલ
૭.આર.એમ.ટી એજ્યુકેશનલ બીબીએ, ભોંયણી-કડી
૮.કામેશ્વર બીબીએ કોલેજ , સરગાસણ, ગાંધીનગર
૯. કલોલ તાલુકા કેળવણી મંડળ બીબીએ કોલેજ, કલોલ
૧૦. બ્રહ્માનંદ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન, હાથીજણ

- સીધી વાત: ડો. આદેશ પાલ, કુલપતિ, ગુજ. યુનિ.
- બાબત ધ્યાનમાં આવતાં જ કાર્યવાહી કરી છે


શું એ વાત સાચી છે કે કોમર્સ-બીબીએ કોલેજોને નોટિસ ફટકારાઈ છે?
હા સાચી વાત છે.
શા માટે નોટિસ ફટકારાઈ છે?
કોલેજોએ ડેવલપમેન્ટ ફંડ ભર્યું નથી તેમને ફંડ ભરવાની નોટિસ ફટકારવા જણાવ્યું છે.
ઘણાં વિલંબથી નોટિસ ફટકારવા પાછળનું કારણ શું છે ?
આ બાબત જેવી અમારા ધ્યાનમાં આવી કે તરત કાર્યવાહી કરી છે.