૬૦ એમબીએ કોલેજોને નોટિસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજોને ૩૧ જુલાઈ સુધીમાં સુવિધા ઊભી કરવા આદેશ સુવિધા ઊભી નહીં કરે તો ૧૦થી ૪૦ લાખના દંડની ચીમકી જીટીયુની ઓચિંતી તપાસમાં કોલેજોમાં સુવિધા ન હોવાનું બહાર આવ્યું રાજ્યની ૬૦ એમબીએ કોલેજોને સુવિધાના મુદ્દે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિ‌ટી (જીટીયુ) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જીટીયુ દ્વારા કોલેજોમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમનો અહેવાલ આવ્યા બાદ જીટીયુ દ્વારા કોલેજોને નોટિસ ફટકારી છે. જીટીયુએ કોલેજોને સુવિધા ઊભી કરવા માટે ૩૧ જુલાઇ સુધીની મુદત આપી છે. જીટીયુ દ્વારા રાજ્યની તમામ ૧૩૨ જેટલી એમબીએ કોલેજોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડિનની કમિટી કોલેજોમાં મોકલી તેમાં સ્ટાફ, સાધનો સહિ‌તની તમામ સુવિધાઓની ચકાસણી કરાવવામાં આવી હતી. જેના માટે તપાસ ટીમને ૧૪ પેજનું ફોર્મ પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન તપાસ કમિટીએ જીટીયુ સમક્ષ અહેવાલ સબમીટ કર્યા બાદ જીટીયુએ જે કોલેજો પાસે સુવિધા ન હોય તે કોલેજોને નોટિસ ફટકારવાનું નક્કી કર્યુ હતું. દરમિયાન તપાસમાં ૬૦ જેટલી કોલેજોમાં સુવિધા ન હોવાનું બહાર આવતા જીટીયુએ તેમને નોટિસ ફટકારી છે. આ કોલેજોમાં સ્ટાફ પૂરતી માત્રામાં ન હતો. ઉપરાંત સાધનોની અછત, લાઈબ્રેરીની સુવિધા ન હોવાથી તથા સ્ટુડન્ટ ફેકલ્ટીનો રેશિયો જળવાતો ન હોવાના પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ કોલેજોને સુવિધા ઊભી કરવા માટે જીટીયુ દ્વારા ૩૧ જુલાઇ સુધીની મુદત આપી છે. જો આ સમય દરમિયાન કોલેજો સુવિધા ઊભી નહીં કરે તો તેમની પાસેથી રૂ. ૧૦ લાખથી રૂ. ૪૦ લાખ સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. જો ત્યાર પછી પણ સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો કોલેજોએ જીટીયુને આપેલી ડિપોઝિટ પણ જમા લેવામાં આવશે. મેડિકલની મેરિટયાદી ૩૦ જૂન આસપાસ જાહેર થશે મેડિકલ-પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ૧૨,૭૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ જમા કરાવ્યાં છે. ફોર્મ પરત આવી ગયા બાદ ૩૦ જૂનની આસપાસ મેરિટ યાદી જાહેર કરાશે અને જુલાઇના બીજા સપ્તાહમાં પ્રવેશ ફાળવવામાં આવશે. મંગળવારે કુલ ૧૮૯૦ વિદ્યાર્થીઓએ પોતાનાં ફોર્મ બી.જે.મેડિકલ કોલેજ ખાતે જમા કરાવ્યાં હતાં. હજુ ૧૪ જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ જમા કરાવી શકે તેમ હોઇ આ આંકડો ૨૦ હજાર કરતાં પણ ઉપર જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યમાં હાલમાં મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમની કુલ ૭,૯૬૩ બેઠકો અસ્તિત્વમાં છે. જેમાં ૨૦૦ બેઠકોનો વધારો થતાં કુલ ૮,૧૬૩ બેઠકો થઇ છે. ૧પ જુલાઇ સુધીમાં નવી કોલેજોને મંજૂરી મળે તેમ હોઇ તે બેઠકોનો પણ પ્રવેશ કાર્યવાહીમાં સમાવેશ થશે.