સુવિધાના મુદ્દે ૧૦૦ જેટલી ખાનગી સ્કૂલોને ડીપીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવા સત્રની શરૂઆત પહેલા સુવિધાઓ ઊભી કરવા માટે સ્કૂલોને તાકીદ
- સ્કૂલોને સેનીટેશન, લાઈટ-પંખા, પાણી, શિક્ષકો સહિ‌તના મુદ્દે નોટિસ


અમદાવાદની ૧૦૦ જેટલી પ્રાથમિક સ્કૂલોને અસુવિધા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘણી સ્કૂલોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે ૧૦૦ જેટલી સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી છે. સ્કૂલોને ફટકારાયેલી નોટિસમાં નવા સત્રના પ્રારંભ પહેલા ખામીઓ દૂર કરવા માટે આદેશ અપાયો છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અનુસંધાને અમદાવાદમાં આવેલી પ્રાથમિક શાળાઓની તપાસ હાથ ધરવા માટે શિક્ષણ વિભાગે સૂચના આપી હતી. પ્રાથમિક શાળાઓ દ્વારા જે પ્રમાણેની ફી ઉઘરાવવામાં આવે છે તે પ્રમાણેની સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદો શિક્ષણ વિભાગને મળી હતી. જેથી શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી તેમણે ૩૦ જેટલી ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા રોજ ૩૦ જેટલી સ્કૂલોની તપાસ કરી તેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આમ એક માસની કાર્યવાહીના અંતે ૪૦૦ જેટલી પ્રાથમિક શાળાઓની તપાસ કરી તેનો અહેવાલ ડીપીઈઓ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.

દરમિયાન તપાસ અહેવાલની ચકાસણી કરતા ૪૦૦ પૈકી ૧૦૦ જેટલી સ્કૂલોમાં ખામીઓ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મોટાભાગની સ્કૂલોમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, સેનીટેશન, લાઈટ પંખા, લાયકાત ધરાવતા શિક્ષકો વગેરે ન હોવાનું જણાયું હતું. જેથી આવી સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી હતી. ડીપીઈઓ દ્વારા સ્કૂલોને નોટિસ ફટકારી તેમની સ્કૂલની ખામીઓ દૂર કરવા માટે તાકીદ કરી છે.

નોટિસમાં સ્કૂલોને નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ખામીઓ દૂર કરી દેવા માટે જણાવાયું છે. જો ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો આવી સ્કૂલોમાં પુન: તપાસ કરી નોટિસો આપવામાં આવશે. આ રીતે કોઈ સ્કૂલના ત્રણ વાર નોટિસ ઈશ્યુ થયે ત્યાર બાદ તે સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જે સ્કૂલોને નોટિસ ફટકારાઈ છે તેમાંથી મોટાભાગની સ્કૂલો પ‌શ્ચિ‌મ વિસ્તારમાં આવેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.