‘મોટા સાહેબ’ મણિનગરથી એલિસબ્રિજ આવે છે, દાવેદારોમાં દોડધામ!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નો મિનિસ્ટર -(ઓએસડી)

વિધાનસભાની આગામી ચૂંટણી નવા સીમાંકન મુજબ થવાની હોવાથી કેટલાયે મંત્રીઓ નવી અને સલામત બેઠક શોધી રહ્યા હોવાનું ચર્ચાય છે. આ ચર્ચામાં મુખ્યમંત્રી મોદીનું નામ પણ ઉમેરાયું છે. ભાજપના આંતરિક સૂત્રોમાં થતી ચર્ચા મુજબ, મોટા સાહેબ હવે ચૂંટણી મણિનગરથી નહીં પરંતુ એલિસબ્રિજની બેઠક પરથી લડવા જઈ રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય અને શહેર પ્રમુખ રાકેશ શાહ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને ચૂંટણી સુધીમાં આ રોષ બળવામાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં. જો શાહનું પત્તું કપાય તો પોતાના નંબરની રાહ જોઈ રહેલા બીજા દાવેદારોની દોડધામ વધી ગઈ છે.

યાર, કાંઈ જામતું નથી.પ્રમુખ જ ડોકાતા નથી ને !

ગુજરાતમાં ૧૯૯પથી વચ્ચેના એકાદ-બે વર્ષને બાદ કરતાં રાજ્યના શાસનની ડેલીએથી કોંગ્રેસને ધક્કો દઈ અડીખમ શાસનકર્તા સાબિત થયેલા ભાજપમાં આ પોર ઉત્સાહ વર્તાતો નથી. રાજ્યની રાજકીય ક્ષિતિજે શાસનનો પરવાનો આપવા આવેલી વિધાનસભાની ચૂંટણીઓનાં નગારાંના પડઘમ રહી-રહીને અવાજ બુલંદ થઈ રહ્યાં છે. અગાઉના વર્ષોમાં તો પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલયની આજુબાજુ મોંઘીદાટ ગાડીઓ મૂકવાની હરોળ જામતી, આ વખતે પ્રદેશ કાર્યાલયના પટાંગણમાં ટુ-વ્હીલર પણ આસાનીથી પાર્ક કરી શકાય એવી સ્થિતિથી પક્ષના પાયાના કાર્યકરો પરેશાન છે. યાર,કાંઈ જ જામતું નથી જેને મળો તેના મોઢે અચૂક સરતાં આવા નિરાશાજનક વાક્યોચ્ચાર ભાજપ માટે સારા સંકેત નથી. તો, કેટલાક એવી પણ ટિપ્પણીથી ખચકાતા નથી કે શું થાય કોંગ્રેસના પ્રમુખ સહિ‌તના નેતાઓ ભાજપ-કલ્ચરની કેડીએ 'યાત્રાઓ-રેલીઓ’માં વ્યસ્ત છે અને કથિત કોંગ્રેસ કલ્ચરગ્રસ્ત ભાજપના ખેરખાંઓ પક્ષના કાર્યાલયે પણ ડોકાતા નથી. દોઢ દાયકા કરતાં વધુ સમયથી શાસનના ડોઝથી ધમધમતા ભાજપના કાર્યકરોનો આ બદલાયેલો મિજાજ, નેતાઓ માટે આંખો મસળવાના પાકેલા સમયનો નિર્દેશ માની શકાય.

જાહેરમાં કાંઈક અને અંદર કાંઈક

વિધાનસભાની ચૂંટણીની આડે હવે માંડ છ મહિ‌ના બાકી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ ભાજપ-કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી ધમધમાટ ઉપલી સપાટીએ તરતો હોય પરંતુ આ બંને રાજકીય પક્ષોમાં બંધબારણે એવી વાસ્તવિક પરિસ્થિતિ બહાર ડોકિયા કરતી દેખાય છે કે, એક બાજુ સંગઠનની ધરીમાં મીટિંગોના ડોઝની જડબુટ્ટીથી ઊર્જા‍-પ્રસાર કરાઈ રહ્યો છે, પ્રચારાત્મક વ્યૂહરચનાને આગલી હરોળના રાજકીય ખેલંદાઓના હાથે છેવટની પીંછી ફેરવાઈ રહી છે. પણ, ખરી સ્થિતિની કસોટીએ એવા અંદેશાનું પ્રાગટય નિરૂપાઈ રહ્યું છે કે, બંને રાજકીય પક્ષોના ખરા ખેલંદાના જાહેરમાં'ભાઈ-ભાઈ’ના ઉવાચિત માહોલ વચ્ચે અંદરખાને એકમેકની લીટી-દોરી ટૂંકી કરવાની જડબેસલાક મથામણની ઝડપ વધી ચૂકી છે. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિ‌લની રેલીઓ યાત્રાની વ્યસ્તતામાં પરોવાયા છે, જ્યારે શંકરસિંહ વાઘેલાને હજુ સુધી ઉમેદવારોની પસંદગીનો વસવસો કઠી રહ્યો છે. ભાજપમાં પ્રચાર-પ્રસાર વ્યવસ્થાના આધારસ્તંભ એવા મંત્રીઓ-પ્રાંત નેતાઓ પોતાની હથોટીને કાબેલ દર્શાવવાની વેતરણમાં સ્પર્ધા કરી રહ્યા છે. બંને પક્ષોના વાકેફ કાર્યકરો, બંધબારણે લખાઈ રહેલા પ્રકરણોને પગલે થનારા રાજકીય લાભાલાભની ચહેરા પર ડોકાઈ રહેલી ચિંતા સાથે ખૂણે કણસી રહ્યા છે.

કૃષિપ્રધાનના પી.એ. પણ કહે છે 'મારું શું?’

રાજ્યના કૃષિમંત્રી દિલીપ સંઘાણી છેલ્લા કેટલાક વખતથી ભ્રષ્ટાચારના મુદ્દે મીડિયામાં ચમકી રહ્યા છે. સંઘાણી પાસે કાયદા ઉપરાંત કૃષિ, પશુપાલન અને સહકાર જેવા લોકો સાથે સંકળાયેલા વિભાગો હોવાથી તેમની કચેરીમાં અરજદારોનાં ટોળાં જોવા મળે છે. મંગળવારે તેમની કચેરીની બહાર વેઇટિંગમાં બેઠેલા કેટલાક આગંતુકો વચ્ચે ભ્રષ્ટાચારની વાતો ચાલી રહી હતી. સૌરાષ્ટ્રના લહેકામાં બોલતાં આ ભાઈએ કહ્યું કે, સાલુ કેવું ચાલે છે બધું? જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર... બાકી હતું તે હવે આપણે જેમને 'સારા’ સમજતા’તા એવા આપણા આ 'સાહેબ’ પણ એમાં ભરાઈ ગયા બીજા સાથીદારે કહ્યું કે, 'ભાઈ, સાહેબની વાત છોડો... તેમના અંગત સચિવ પણ બાકાત નથી. આપણે કંઈક કામ કરાવવા આવીએ તો પછી કહે છે કે 'મારું શું ? પછી આપણું પણ ધ્યાન રાખજો.’ વાત આગળ વધે તે પહેલાં પટાવાળાએ તમામને અંદર સાહેબ બોલાવે છે તેવો આદેશ આપતાં સહુ ચૂપચાપ 'સાહેબ’ને મળવા પહોંચી ગયા.

પાંચ વર્ષ સુધી જલસા પછી સલામત પોસ્ટની શોધ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા પાંચ વર્ષના શાસનમાં મલાઈદાર પોસ્ટ પર ફરજ બજાવનારા કેટલાયે આઈએએસ-આઈપીએસ ચૂંટણી આવતાં જ સાઈડ-સેફ પોસ્ટિંગ શોધવામાં લાગી ગયા છે. સૂત્રો કહે છે કે, ચૂંટણીમાં સમગ્ર વહીવટીતંત્ર પર કેન્દ્રીય ચૂંટણી પંચનો કબજો હોય છે. વળી, ચૂંટણીમાં સરકાર તરફી કામગીરી કરવામાં ભાજપના કાર્યકરનું લેબલ લાગી જવાનો પણ ભય રહેલો છે. આ બધી માથાકૂટમાં પડવા કરતાં બે-ચાર મહિ‌ના સાઈડ પોસ્ટિંગ લેવામાં આવે તો આરામનો આરામ ને ક્યાંય બદનામી પણ નહીં. નવી સરકાર રચાઈ જાય પછી પાછું મલાઈદાર પોસ્ટ પર ગોઠવાઈ જવાનું. બીજા પાંચ વર્ષ નિરાંત.

શંકરસિંહ વાઘેલાની પ્રેશર ટેક્નીક... નિવેદન

શંકરસિંહ વાઘેલા ઘણાં વર્ષોથી કોંગ્રેસમાં હોવા છતાં તેમને કોંગ્રેસ 'ફિટ’ માનતી નથી, તો સામે બાપુ પણ વારંવાર કોંગ્રેસના કલ્ચરથી નારાજ હોવાની લાગણી વ્યક્ત કરતા આવ્યા છે. આ બાબત ખાનગી છતાં જાહેર જેવી છે. બાપુ હળવા મૂડમાં ન કહેવાનું કહી દેવાની વિશષ્ટિ શૈલી ધરાવે છે, પરંતુ કોંગ્રેસના આગેવાનોને બાપુના વિવાદાસ્પદ નિવેદન અંગે પૂછવામાં આવે ત્યારે મગનું નામ મરી પાડતા નથી અને આ સ્થિતિ તેમનાથી સહન પણ થતી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા બાપુ સમયાંતરે કોંગ્રેસને પ્રેશરમાં રાખવા 'નિવેદન’નો સહારો લઈને પોતાનું કામ પાર પાડે છે.


Related Articles:

સોલંકીને રાજ્યપાલ સમક્ષ ધરીને મોદી ભરાયા
ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો, મુખ્યમંત્રી મોદી થયાં ખુશ
ભાજપે મોદી, તો કોંગ્રેસે સોનિયાની જય બોલાવી