તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડિંગ સ્ટેશનના ક્વોટામાંથી કન્ફર્મ ટિકિટ મળી શકશે નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે પ્રશાસન દ્વારા પહેલી જુલાઈથી ટિકિટ રિફંડ, કેન્સલેશન સહિ‌ત અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ એક ફેરફાર કરતા રેલવે તંત્ર દ્વારા પહેલી ઓગસ્ટથી પ્રવાસીઓના બોર્ડિંગ સ્થળના નિયમમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરાઈ છે. તે મુજબ હવે જ્યાંથી ટિકિટ ખરીદી હશે ત્યાંના કોટામાં જો જગ્યા હશે તો જ પ્રવાસી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે અને જ્યાં બોર્ડિંગ કરવામાં આવશે ત્યાંના કોટામાંથી તેને હવે કન્ફર્મ ટિકિટ મળી શકશે નહીં.

આ અંગે રેલવે સૂત્રોએ વધુ માહિ‌તી આપતા જણાવ્યું કે, હાલ દેશભરમાં મુંબઈ ઉપરાંત દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ ખાતે આવેલા મુખ્ય સર્વર કેન્દ્રો ખાતેથી દેશભરમાં ટિકિટોનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે આ ચારેય જગ્યાથી થતી ટિકિટોની બુકિંગમાં કેટલીક વિસંગતતાઓ હતી જેને દૂર કરી બધે એક નિયમ પ્રમાણે બુકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ નવી સિસ્ટમ મુજબ અત્યાર સુધી જો પ્રવાસીને તેના ઘર નજીકના સ્ટેશનેથી પ્રવાસ કરવા માટે કન્ફર્મ ટિકિટ લેવી હોય અને જો તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હોય તો તે બીજા સ્ટેશનેથી ટિકિટની ખરીદી કરી ત્યાંના કોટામાંથી ટિકિટ કન્ફર્મ મેળવી લેતો હતો અને બોર્ડિંગ સ્થળ તરીકે ઘર નજીકના સ્ટેશનનો ઉલ્લેખ કરી જે તે સ્થળથી પ્રવાસ કરતો હતો. આ તે બે સ્ટેશનોના કોટાનો ફાયદો ઉઠાવતો હતો. પરંતુ હવેથી પ્રવાસી જે સ્ટેશનથી ટિકિટ ખરીદશે તેને તે સ્ટેશનના કોટા પ્રમાણે જ કન્ફર્મ ટિકિટ મળશે અને બોર્ડિંગના સ્ટેશનનો લાભ મળશે નહીં. આ ઉપરાંત એકવાર કન્ફર્મ ટિકિટની ખરીદી કર્યા બાદ કેટલાક પ્રવાસીઓ બોર્ડિંગ સ્થળમાં ફેરફાર કરાવતા હતા ત્યારે હવેથી બોર્ડિંગ સ્થળમાં ફેરફાર નહી કરાવી શકાય.

રિઝર્વેશન ટિકિટનું રિફન્ડ ૧૦ દિવસમાં જ લેવું પડશે
ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યા બાદ કોઈ આકસ્મિક કારણસર પ્રવાસ નહીં કરનાર પ્રવાસીને હવેથી ટિકિટનું રિફન્ડ ૧૦ દિવસમાં જ મેળવું પડશે. દસ દિવસ બાદ રિફન્ડ માટે આવનાર અરજી પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ટ્રેનમાં કોઈ બર્થ પર કન્ફર્મ થયેલો પ્રવાસી યાત્રા કરતો નથી તેવો રિપોર્ટ તે ટ્રેનના ટીટીઈ દ્વારા અપાયા બાદ જે તે ટિકિટનું રિફન્ડ મેળવવા માટે યાત્રી ૩૦ દિવસમાં આવેદન કરી શકતો હતો. જે સમયમર્યાદા ઘટાડીને હવે ૧૦ દિવસ કરી દેવામાં આવી છે.