બગોદરા લૂંટ; રાજકોટ જતી આંગડિયા પેઢીની ટ્રકને આંતરીને લઇ હંકારી જવાઇ હતી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા-બગોદરા હાઇવે ઉપર આવેલા રાણેસર પાટિયા નજીકથી આંગડિયા પેઢીની આયસર ટ્રક લૂંટ પ્રકરણમાં આજે રૂપિયા ૬,૮૪,૧૩,૮ર૦ની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બાબતે આંગડિયા પેઢીના માલિકોએ પુરાવા રજૂ કર્યા હતા . જોકે, ડ્રાઇવરને તેમાં ફરિયાદી બનાવાયો છે. હજુ સાત જેટલી પેઢીના માલિકોએ ફરિયાદ નોંધાવી નથી તેથી કુલ કેટલો મુદ્દામાલ લુટાઇ ગયો તેનો વાસ્તવિક આંક બહાર આવી શક્યો નથી. અત્યાર સુધી લૂટનો આંક નવ કરોડની નજીક પહોંચ્યો છે. જેમ જેમપેઢીઓ દ્વારા પોલીસ ફરિયાદ લખાવવામાં આવશે તેમ લૂંટની રકમનો આંક વધતો જાય એમ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ઘટનાના બીજા દિવસે આ લૂંટની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.

અમદાવાદથી સોમવારે રાત્રે અગિયાર વાગે ઇશ્વરલાલ બેચરલાલ આંગડિયા પેઢીની ચોકસી ટ્રાવેલ્સની આયસર ગાડીમાં જુદા જુદા વેપારીઓનો માલ લઇને ડ્રાઇવર દિનેશ શામજીભાઇ પરમાર અને ક્લિનર દિલીપ કાંતિભાઇ પટેલ રાજકોટ જવા રવાના થયા હતા. રાણેસર ગામના પાટિયા નજીકથી મેકસ ગાડીમાં આવેલા છ શખ્સોએ છરી-દંડો બતાવીને ટ્રકના ડ્રાઇવર-ક્લિનરને મેકસ ગાડીમાં બેસાડી બીજા બે શખ્સોએ આયસરનો કબજો લઇને હંકારી મુકી હતી. ડ્રાઇવરનો મોબાઇલ ગાડીમાં જ રહી ગયો હોવાથી તેના લોકેશનના આધારે ગાડી ડીસા પાસેના ભોયણ ગામથી બીનવારસી હાલતમાં મળી આવી હતી. જેનો કબજો ડીસા પોલીસે લઇને આયસરમાં રહેલો માલ ઉતારીને ગણી લેવામાં આવ્યો હતો. આ લૂંટમાં ડ્રાઇવર-કંડકટર શંકાના દાયરામાં આવી ગયા હતા. ડ્રાઇવરના કહેવા મુજબ આઇસર ગાડીમાં અંદાજે ૧પથી ર૦ કરોડનો મુદામાલ હતો. પરંતુ તેમાં ડીસા પોલીસને ૧.૬૦ કરોડનો જ માલ મળી આવ્યો હતો. જે વેપારીઓ અને આંગડિયાનો માલ હતો તેઓ પોતાના પુરાવા, બિલો લઇને બગોદરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

ડ્રાઇવરને અંતે ફરિયાદી બનાવાયો
લૂંટ સોમવારે મધરાત્રે એક વાગે થવા છતાં બગોદરા પોલીસે મંગળવારે આખો દિવસ એફઆઇઆર દાખલ કરી નહોતી. બુધવારે વહેલી સવારે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં ડ્રાઇવર દિનેશ પરમારને ફરિયાદી બનાવાયો હતો. જેમાં તેણે લખાવ્યું હતું કે ટ્રકમાં તેના શેઠ વિષ્ણુભાઇ કાંતિભાઇ પટેલનો રૂપિયા ૬,૮૪,૧૩,૮૨૦ નો મુદામાલ તેમજ આઠ વેપારીઓ, આંગડિયાનો મુદામાલ હતો. તેમનો કેટલો માલ હતો તે ખબર નથી તેવી ફરિયાદ આપી છે.