હવે અમદાવાદમાં ટીપીના નકશા અને રોડની માહિ‌તી ઓનલાઇન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટીપી સ્કીમોની સંપૂર્ણ માહિ‌તી શહેરીજનો એક ક્લિકમાં મેળવી શકશે

અમદાવાદ શહેરમાં બિલ્ડરો અને ડેવલપર દ્વારા નવી રેસિડેન્સિયલ અને કોમર્શિ‌યલ સ્કીમો આગળ નવો ટીપી રોડ બનવાનો છે. રેસિડેન્સિયલ સ્કીમોની બાજુમાં ગાર્ડન કે જોગર્સ પાર્ક બનાવાનો છે તેવી જાહેરાતો પણ કરવામાં આવે છે પણ ખરેખર આ સ્કીમોની બાજુમાં ટીપી સ્કીમોની કામગીરીમાં આ પ્રકારનું પ્રયોજન કરાયેલું છે કે કેમ ? તે માહિ‌તી શહેરીજનોને મેળવવી અઘરી પડે છે પણ હવે જો તમે રેસિડેન્સિયલ સ્કીમમાં પોતાના સપનાનું ઘર વસાવવા જતા હોય તો તેની આગળથી કેવો ટીપી રોડ પસાર થાય છે તે અંગેની માહિ‌તી તમે ઓનલાઇન મેળવી શકશો, તમારા સપનાના ઘરની આસપાસના વિસ્તારનો ટીપી સ્કીમોમાં કેવી રીતે વિકાસ થઇ રહ્યો છે તેની માહિ‌તી પણ તમે ઓનલાઇન મેળવી શકશો. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મંજૂર થયેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમો અને ફાઈનલ ટીપી સ્કીમોની રોડ, જાહેર હેતુ માટેના રિઝર્વ પ્લોટ અને અન્ય પ્રકારની માહિ‌તીઓ ઓનલાઇન મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં મ્યુનિ.ની વેબસાઇટ ઉપર ટીપી સ્કીમોના નકશા સહિ‌તની માહિ‌તી ઓનલાઇન ઉપલબ્ધ બનશે.

અમદાવાદ મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન ચિરાગ શાહે ટીપી સ્કીમોની સંપૂર્ણ માહિ‌તી ઓનલાઈન કરવાની રજૂઆત કરી હતી કે, શહેરમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમો બની રહી હોય ત્યાં જાહેર હેતુ માટે રિઝર્વ કરાયેલા પ્લોટમાં ગેરકાયદે દબાણ કરીને કોઇએ ગેરકાયદે બાંધકામ બાંધી દીધું હોય તો તેવા કિસ્સાઓમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ તો એકમો વેચાણ કરીને જતા રહે છે પણ સામાન્ય શહેરીજનને તેની કિંમત ચૂકવવી પડે છે. તો આ પ્રકારના કિસ્સાઓ અટકાવવા માટે ડ્રાફ્ટ ટીપી સ્કીમોની રસ્તાઓ, રિઝર્વ પ્લોટ સહિ‌તની અન્ય માહિ‌તી શહેરીજનોને ઉપલબ્ધ બને તે માટે ઓનલાઇન માહિ‌તી મૂકાવવી જોઇએ. રજૂઆતના પગલે આ અંગેની કામગીરી શરૂ થઈ છે.

રિઝર્વ પ્લોટ આગળ બોર્ડ લગાડાશે

અમદાવાદ શહેરની મંજૂર ડ્રાફટ ટીપી સ્કીમો અને ફાઈનલ ટીપી સ્કીમોમાં વિવિધ જાહેર હેતુ માટે રિઝર્વ કરાયેલા પ્લોટ ઉપર ગેરકાયદે કબજો ન થાય તે માટે મ્યુનિ.એ તંત્ર ખાસ કસરત કરશે. હવે દરેક મ્યુનિ. રિઝર્વ પ્લોટ ઉપર ટીપી સ્કીમનું નામ, નંબર, ફાઈનલ પ્લોટ નંબર, ક્ષેત્રફળ, કયા હેતુ માટે રિઝર્વ કરાયો તે સહિ‌તની માહિ‌તી દર્શાવતું બોર્ડ લગાડવામાં આવશે.

ટીપી સ્કીમોની માહિ‌તી ઓનલાઇન થશે
શહેરમાં ડ્રાફ્ટી ટીપી સ્કીમો બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. ડ્રાફ્ટી ટીપી સ્કીમો મંજૂર થયા બાદ તેમાં આવેલા વાંધાઓ અંગેના કામોની દરખાસ્તો મંજૂર થતા ટીપી સ્કીમોમાં ફેરફાર થતા રહે છે છતાં પણ અમે હવે શહેરીજનો માટે ડ્રાફટ ટીપી સ્કીમો અને ફાઈનલ ટીપી સ્કીમોના નકશા અને રસ્તાઓની માહિ‌તી શહેરીજનોને સરળતાથી મળી રહે તે માટે ઓનલાઇન મૂકવા જઇ રહ્યાં છીએ.
બિપીન પટેલ, ચેરમેન, ટાઉન પ્લાનિંગ કમિટી

ટીપી સ્કીમની સ્થિતિ
૬૪
ફાઈનલ ટીપી સ્કીમો
૨૮
પ્રિલિમિનરી સ્કીમો
૧૮
પ્રિ.સબમિટ સ્કીમો
૮૬
ડ્રાફ્ટ ટીપી સ્કીમ
૦૧
સરકારમાં સબમિટ
૦૧
ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કર્યો
૨૨૨
કુલ ટીપી સ્કીમો