તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોસર ગામથી મૃત મળેલા અમદાવાદના યુવાનની હત્યા થયાનું તપાસમાં ખૂલ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને જેલમાં રહેલા ઈસરારૂલહક અંસારીએ તેનો ભાણો તા. ૨૮મી ઓગસ્ટ, ૨૦૧૨થી ગુમ હોવાની અને તેની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરતી અરજી કરી હતી. અરજીમાં તેણે શંકાસ્પદ લોકોના નામ પણ લખ્યા હતા આ અરજીને આધારે પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.દેસાઇ અને પીએસઆઈ કે. જે. ચાવડા સહિ‌તની ટીમે સતત તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. દસ મહિ‌ના પહેલા વટવા નજીક ચોસરગામની કેનાલમાંથી એક યુવકની લાશ મળી હતી. જેના પર કોઇજ નિશાન નહોતા પરંતુ તપાસમાં આ યુવક મહંમદ આરીફ ઉર્ફે ટેણીને દુશ્મનોએ દારૂ પીવડાવી કેનાલમાં ફેંકી દઇ હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવતાં ચાર હત્યારાઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

માધુપુરામાં રહેતા મયુદ્દીન ઇસ્માઇલ મિયાણા નામના યુવકની વર્ષ ૨૦૧૧માં હત્યા થઇ હતી. જેમાં પોલીસે ૧૧ જણની ધરપકડ કરી હતી. પરંતુ આ હત્યામાં રખીયાલનો મહંમદ આરીફ ઉર્ફે ટેણી કમરૂઝમા અન્સારી(૩૦) પણ સંડોવાયેલો હતો પરંતુ તેનું નામ ફરિયાદમાં ન હોવાથી તે બચી ગયો હતો.

આ બાબતે મરનાર ઇસ્માઇલના સસરા હૈદર મિયાણાને જાણ થઇ હતી. જેથી તેણે પોતાના જમાઇના હત્યારા આરીફ ટેણીને મોતને ઘાટ ઉતારવાનો કારસો ઘડયો હતો. જેના માટે તેણે પોતાના ભાણા અને સાગરીતો મહંમદ અનીસ ઉર્ફે કાણીયો તકઝુલખાન પઠાણ(કેજીએન પાર્ક, વટવા), મહંમદ જાવેદ અકબરઅલી શેખ(રખીયાલ) તથા સમીર અહેમદ રફીક અહેમદ અંસારી (બાપુનગર)ની મદદ લેવાનું નક્કી કર્યુ હતું.જો કે તે સમયે સમીર પાસામાં હોવાથી પાસા બોર્ડની મીટિંગમાં શાહીબાગ આવ્યો હતો ત્યારે જ તેને મળીને ટેણીનો કાંટો કાઢવાનું નક્કી થયું હતું. પ્લાન મુજબ અનીસ કાણીયાએ તા. ૨૮મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આરીફ ટેણીને દારૂ પીવા માટે વટવા બોલાવ્યો હતો . ત્યારબાદ જાવેદ અને હૈદર ત્યાં પહોંચી ગયા હતા. જેમણે દારૂના નશામાં ચૂર આરીફ ટેણીને ધક્કો મારીને કેનાલમાં ફેકીં દેતાં તેનું મોત નિપજ્યું હતું. અને તેની લાશ ચોસરની સીમમાંથી મળી હતી.

વટવા પોલીસે આરીફ ટેણીની લાશને અજાણ્યા પુરુષની લાશ તરીકે પોસ્ટર્મોટમ કરાવ્યું હતું.આરીફની બોડી પર કોઇ ઇજાના નિશાન પણ ન હોવાથી પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.