રિવાઇઝ્ડ પ્લાન પર મ્યુનિ.ની બ્રેક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુશ્કેલી: મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી જતું તંત્ર : ૧૧૮ પ્લાન અટવાયા : શહેરના ૯૦ ટકા વિસ્તારમાં અસર

- મંજુર થયેલ ટી.પી.માં જમીનકપાતનો નવો વિવાદ

- આઈ.પી.ગૌતમે કરેલા પરિપત્ર મૌખિક આદેશથી ડે. મ્યુનિ. કમિશનરે રદ કર્યા

અમદાવાદ મ્યુનિ. કોર્પો.દ્વારા મંજુર થયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં નવા બાંધકામના પ્લાનમાં જમીનકપાતના મુદ્દે વિવાદ સજાર્યો છે. મ્યુનિ. કમિશનરે જમીન કપાતના નાણાં નહીં લેવાના કરેલા આદેશને ડે. મ્યુનિ. કમિશનર ઘોળીને પી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદના પગલે છેલ્લા ત્રણ માસથી એકપણ રિવાઇઝડ પ્લાન મંજુર થયા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિ. હદમાં ૬૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ (ટી.પી.)મંજૂર થયેલી છે. આ સ્કીમમાં જે તે વખતે સ્થળપરિસ્થિતિ જોઈ તથા જ્યાં બાંધકામો થઈ ગયા હતા ત્યાં ટાઉન પ્લાનર ઓફિસર (ટી.પી.ઓ.)એ ઓછી કપાત કરી ફાઇનલ પ્લોટ નંબર આપી દીધા હતા. આ કાર્યવાહી વર્ષો પહેલાં પૂરી કરાઈ હતી. હવે મંજુર થયેલ ટી.પી.માં કોઈને પણ નવો રિવાઇઝડ પ્લાન મૂકવો હોય તો ૪૦ ટકા કરતાં ઓછી કપાત થઈ હોય તો કાં તો જમીન આપવી અથવા જંત્રી મુજબ નાણાં વસૂલવાનો નિયમ હતો પરંતુ આ અંગે વિવાદ થયો હતો.

ઉપરોકત વિવાદના પગલે તત્કાલીન મ્યુનિ. કમિશનર આઈ.પી.ગૌતમે ત્રણ ડે. મ્યુનિ. કમિશનરની એક કમિટી બનાવી હતી જેમાં યુ.સી.પડિયા, આઈ.કે. પટેલ તથા એમ.એસ. પટેલનો સમાવેશ કરાયો હતો. આ કમિટીની ભલામણ મુજબ મ્યુનિ. કમિશનર તા.૨-૭-૨૦૧૨ના રોજ એક પરિપત્ર કરી મંજુર થયેલી ટી.પી.માં રિવાઇઝડ પ્લાનમાં કપાતનો તથા જંત્રી મુજબ નાણાં નહીં વસૂલવાનો આદેશ કર્યો હતો.

ઉપરોકત આદેશનું પાલન સને ૨૦૧૨ના એપ્રિલ સુધી કરાયો હતો પરંતુ આઈ.પી. ગૌતમની બદલી થતાં ડે. મ્યુનિ. કમિશનરે (ટાઉન પ્લાનિંગ) એકાએક આ પરપિત્રનો અમલ નહીં કરવા મૌખિક આદેશ આપી દીધો છે. આમ કમિશનર દ્વારા કરાયેલા સરકયુલરનો અમલ ના કરાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો બન્યો છે. આ નિર્ણયના પગલે ૧૧૮ રિવાઇઝડ પ્લાન અટકી પડ્યા છે. મ્યુનિ. દ્વારા આ પ્લાન રજુ કરનારાઓને ડિપોઝિટના નાણાં ભરવા આદેશ કર્યો છે. જેમાં ચાર બિલ્ડરે નાણાં ભરી દીધા છે. બાકીનાઓએ નાણાં નહીં ભરતા પ્લાન દફતરે કરી દીધા છે.

આમ ડે. મ્યુનિ. કમિશનરની આપખુદશાહીના કારણે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ૧૧૮માંથી ઘણાએ ગેરકાયદે બાંધકામો શરૂ કરી દીધા હોવાનું જાણવા મળે છે. મ્યુનિ.માં કહેવાય છે કે જી.ડી.સી.આર.માં ડે.મ્યુનિ. કમિશનરના નામે નવો એક્ટ લાગુ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેરિટેજના નામે પણ કોટવિસ્તારમાં સંખ્યાબંધ મકાનોના પ્લાન અટવાઈ પડ્યા છે. મકાનો પડે છે છતાં મ્યુનિ. વર્ષો જુના મકાનોને બાંધકામ માટે મંજુરી આપતી નથી. પડી ગયેલા મકાનોમાં લોકોને જવાબદાર ગણે છે.

વિવાદ શું છે :

વર્ષો પહેલાં ટી.પી. સ્કીમ હાથ ઉપર લેવાઈ ત્યારે ઘણી જગ્યાએ સોસાયટીઓમાં બાંધકામો થઈ ગયા હતા ત્યારે ટી.પી.ઓ. નિયમ મુજબ કપાત કરવાના બદલે જેટલી જમીન ખુલ્લી હતી તે મુજબ કપાત કરી ફાઇનલ પ્લોટ નંબર ફાળવી દીધો હતો. હવે આ સોસાયટીઓમાં કોઈને નવું મકાન બનાવવું હોય તો જમીન કપાતના નાણાં ભરવા ફરજીયાત કરતાં વિવાદ થયો છે. આ વિવાદની અસર સમગ્ર શહેરમાં પડી રહી છે.

કેટલી ટી.પી. સ્કીમમાં અસર?

અમદાવાદ શહેરમાં ૧૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ બની ગઈ છે જેમાં ૬૦થી વધુ ટી.પી. સ્કીમ મંજુર થઈ ગઈ છે અને ૪૦ જેટલી ટી.પી. સ્કીમના ડ્રાફ્ટ રજુ થયા છે. એટલે શહેરના ૯૦ ટકા વિસ્તારમાં નવા વિવાદની અસર વ્યાપક થવા પામી છે. મ્યુનિ. દ્વારા પત્રો લખી ડિપોઝીટ ભરી જવા આદેશ કરાય છે.

બાંધકામ માટે બે એક્ટ :

સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાં બાંધકામ માટે જી.ડી.સી.આર. અમલી છે, પરંતુ મ્યુનિ.માં બાંધકામ માટે ડે. મ્યુનિ. કમિશનર (અર્બન ડેવલપમેન્ટ)નો એક પર્સનલ એક્ટ પણ લાગુ છે જેને મ્યુનિ. કમિશનરે પણ મંજૂરી આપી દીધેલી છે. આ એક્ટના પગલે ઔડા પોતાનો વિસ્તાર જે હાલ મ્યુનિ. હદમાં ભેળવી દેવાયો છે તેના મંજૂર થયેલા પ્લાનની ફાઈલો પણ મ્યુનિ.ને આપતી નથી કારણ કે મંજૂર થયેલા પ્લાનમાં બીજા એક્ટના લીધે વાંધાવચકા કાઢે છે.

મારી સમક્ષ એકપણ રજુઆત થઈ નથી :

મ્યુનિસપિલ કમિશનર પરપિત્રનો અમલ થતો નથી અને નાણાં ભરવા કહેવાય છે એ અંગે મારી સમક્ષ એકપણ રજુઆત થઈ નથી અને વિભાગમાંથી કોઈએ ફરિયાદ કરી નથી. - યુ.સી.પડિયા, ડે. મ્યુનિ. કમિશનર, ટાઉન પ્લાનિંગ

દર વખતે નવા નવા નિયમો લાવે છે :

મ્યુનિ.માં તેમણે જ બનાવેલા નિયમો અધિકારીઓ બદલાય એટલે બદલી નાંખવાની વર્ષો જુની પરંપરા છે તેમાં નવું કંઈ નથી પરંતુ તેનાથી લોકોને હેરાન થવું પડે છે જુનું મકાન નવું બનાવ્યું હોય ત્યારે જમીન કપાતના નામે નાણાં જમા કરાવવા તે યોગ્ય નથી.એસ.એ.પટેલ, સિવિલ એન્જિનિયર