એસટીની ટક્કરથી માતા-પુત્રીનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજસ્થાનની એસટીએ ચિલોડા નજીક બાઈકને ટક્કર મારતાં સર્જાયેલો અકસ્માત - પોલીસે રાજસ્થાન એસટીની બસના ચાલકની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા ચીલોડા નજીક ગુરુવારે બપોરના સમયે એક બાઇકચાલકને રાજસ્થાન એસટીની બસે અડફેટે લીધો હતો.જે અકસ્માતમાં બાઇક પર બેઠેલાં પતિ-પત્ની અને તેમની ૧૧ માસની પુત્રીને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં જ્યાં માતા અને બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બાઇકચાલકને પણ ગંભીર ઇજા થતા તેને સારવાર અપાઇ રહી છે.આ અંગે નરોડા પોલીસે અકસ્માત કરીને ભાગી જનાર બસના ડ્રાઇવરને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. ભાવિનકુમાર તરુણકુમાર જયસ્વાલ(રહે,નાના ચીલોડા)નરોડા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેકસમાં નોકરી કરે છે.તેમના પરિવારમાં તેમની પત્ની રીનાબહેન (ઉં.વ.૨૫)અને ૧૧ મહિનાની બાળકી દીપિકા હતી.ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેઓ તેમની બાઇક લઇને ચીલોડા રેલવે ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે સમયે તેમની બાઇકની પાછળ તેમની પત્ની રીના અને બાળકી દીપિકા પણ સાથે હતાં.તેઓ તેમની બાઇક લઇને રેલવે ફાટક ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન એસટીની એક બસે તેમની બાઇકને ટક્કર મારી હતી. બસની જોરદાર ટક્કરે ભાવિનભાઇએ બાઇક પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલાં રીનાબહેન અને દીપિકાને ગંભીર ઇજા પહોંચતા તેઓ સ્થળ પર બેભાન થઇ ગયાં હતાં.સ્થાનિક લોકોએ ભાવિનભાઇ તેમની પત્ની રીના અને બાળકી દીપિકાને સારવાર અર્થે નરોડાની રુદ્રાક્ષ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. રીનાબહેન અને દીપિકાની તબિયત વધુ લથડતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બીજી તરફ ભાવિનભાઇને ઇજા થતા તેમને સારવાર અપાઇ હતી. આ અંગે નરોડા પોલીસે રાજસ્થાન એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.