ઘાયલ ચાવાળાની સારવારના ખર્ચ માટે મેયર હોસ્પિટલ દોડયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મફત સારવાર અંગે સુપરિન્ટેન્ડેન્ટે તાકીદ કરી

વાવાઝોડામાં ઝાડ પડતાં માથામાં ગંભીર ઇજા પામનાર રાયપુરના ચાની કીટલીવાળા પાસે વીએસ હોસ્પિટલે સારવાર માટે રૂ. પ૦ હજાર માંગ્યાના સમાચાર પ્રસિદ્ધ થતાં શહેરના અનેક દાતાએ આ ગરીબ પરિવારને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ, શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર મીનાક્ષીબહેન પટેલ ખુદ હોસ્પિટલ ખાતે દોડી ગયાં હતાં અને ઘાયલ દર્દીની તમામ સારવાર નિ:શુલ્ક કરવાની હોસ્પિટલ તંત્રને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

'દિવ્ય ભાસ્કર’માં ૨૬મી એપ્રિલના રોજ 'વીએસમાં ચાવાળા પાસે પ્લેટ નાંખવાના પ૦ હજાર માંગ્યા’ ર્શીષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે શહેરના અનેક દાતાઓ આ ગરીબ પરિવારની મદદ માટે આગળ આવ્યા હતા. પરંતુ, આ દરમિયાન મેયર મીનાક્ષીબહેન પટેલે વીએસ હોસ્પિટલમાં જઇને ઘાયલ પ્રકાશ થાપાની મુલાકાત લીધી હતી, અને સમગ્ર સ્થિતિ જાણ્યા બાદ તેમની તમામ સારવારનો ખર્ચ હોસ્પિટલે ઉપાડવા માટે સુપરિન્ટેન્ડેન્ટને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.વીએસ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. સંદીપ મલ્હાને જણાવ્યું હતું કે, શનિવારે બપોરે મેયર મીનાક્ષીબહેન પટેલે હોસ્પિટલમાં દર્દીની મુલાકાત લીધા બાદ તેની સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલે ઉપાડવાનું જણાવ્યું છે, જેથી હવે દર્દીને તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.