ભરઉનાળે પણ અમદાવાદમાં મેલેરિયાના ૭૨૨ કેસ નોંધાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માર્ચ-એપ્રિલ કરતાં મેમાં મેલેરિયાના કેસોમાં ઉછાળો
- શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો
- રોગચાળો ;મ્યુનિ.નું હેલ્થ ખાતુ મચ્છરજન્ય રોગો સામે લાચાર


અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીમાં પણ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો મચ્છરજન્ય રોગચાળો ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે બીજી તરફ શહેરમાં ગત માર્ચ અને એપ્રિલ મહિ‌નાની સરખામણીમાં મે મહિ‌નામાં સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત માર્ચ મહિ‌નામાં સાદા મેલેરિયાના ૨૯૮ અને એપ્રિલ મહિ‌નામાં પ૯૮ કેસો હતો જે માત્ર છેલ્લાં ૨૪ દિવસમાં વધીને ૭૨૨ થઇ ગયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના ૮ કેસો સામે આવ્યાં છે. શહેરમાં કમળાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

શહેરના અમુક વિસ્તારોમાં શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી. જ્યારે ઉનાળાની સિઝનમાં અમુક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર, પ‌શ્ચિ‌મ ઝોનના અમુક વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. બીજી તરફ જૂની પાણીની લાઇનો ખવાઇ જવાને કારણે પણ પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. કોટ વિસ્તાર, પૂર્વના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ૧થી ૨૬ મે દરમિયાન ઝાડાઊલટીના પ૧૨ કેસો, કમળાના ૧પ૦ કેસો, ટાઇફોઇડના ૭૨ અને કોલેરાના ૩ કેસો સામે આવ્યાં છે.

ગરમીનું પ્રમાણ વધતાં આંખનાં રોગોમાં વધારો

અમદાવાદ : છેલ્લા એક અઠવાડિયાથી પડતી ભીષણ ગરમીને લીધે શહેરીજનોમાં આંખનાં રોગોમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી આંખની હોસ્પિટલની ઓપીડીમાં રોજનાં ૧૨થી ૧પ જેટલાં નવાં કેસ સાથે છેલ્લા એક અઠવાડિયામાં ૬૦થી વધુ કેસ નોંધાયાં છે. જેમાં સૌથી વધુ નાના બાળકોમાં એલર્જિક કન્જેક્ટિવાઇટિસની તકલીફ જોવા મળી છે. ગરમીને પગલે હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા ૨પથી વધીને ૩૦૦ને વટાવી ગઇ છે. છેલ્લાં એક અઠવાડિયાની વાત કરીએ તો, હોસ્પિટલમાં આંખની વિવિધ તકલીફો સાથે દરરોજનાં ૧પ જેટલાં નવાં કેસ નોંધાય છે.

શું ધ્યાન રાખવું
તડકામાં કે સીધા સૂર્યપ્રકાશમાં ખુલ્લા માથે ફરવાનું ટાળવું, ઘરની બહાર નીકળતાં આંખોને ઠંડક મળે તેવાં ઠંડા ગ્લાસનાં ગોગલ્સ પહેરવા, દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી આંખો સાફ કરવી.

દર્દીઓમાં વધારો થયો છે
હોસ્પિટલની ઓપીડીમાં એલર્જિક કન્જેક્ટિવાઇટિસ, આંખ લાલ થવી, આંખનો દુખાવો, આંખમાંથી પાણી નીકળવાના દર્દીમાં વધારો થયો છે. નાના બાળકો ભોગ સૌથી વધુ બન્યાં છે. ડો. દીપક મહેતા, ડાયરેક્ટર સિવિલ આંખની હોસ્પિટલ