માધુપુરા બેન્કનું લાઇસન્સ રદ: અ'વાદીઓના ડૂબ્યા ૭૪૪ કરોડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માધુપુરા કો.ઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ: રોકાણકારો અને સહકારી બેન્કોના ૭૪૪ કરોડ ડૂબ્યા - કેતન પારેખ પાસેથી રિકવરીનું બેંકે આપેલુ ચિત્ર અવાસ્વિક હતું

પાછલાં ૧૧ વર્ષથી નાણાકીય કળણમાં ફસાયેલી માધુપુરા મર્કેન્ટાઇલ કો.ઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આખરે રદ કરી દીધું છે. આ અંગેનો ઓર્ડર સોમવારે સાંજે પાંચ વાગ્યે શાહીબાગ ખાતેની હેડ ઓફિસ પર રિઝર્વ બેન્કના અધિકારીઓએ લગાવી દીધો છે. આ સાથે ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત બેન્કનું અસ્તિત્વ મટી ગયું છે.

હવે બેન્કના પ૦ હજાર જેટલા થાપણદારો અને ૧૭૦ જેટલી સહકારી બેન્કોના રૂ.૭૪૪ કરોડ મળવાની રહીસહી આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ૨૦૦૧માં કૌભાંડી શેરદલાલ કેતન પારેખ અને તેના મળતિયાઓએ બેન્કના તત્કાલીન ચેરમેન રમેશ પરીખ અને એમ.ડી. દેવેન્દ્ર પંડયા સાથે મળીને આચરેલા ૧પ૦૦ કરોડના કૌભાંડને કારણે બેન્કની આ સ્થિતિ થઈ છે.

બેન્કનાં નાણાં રિકવર કરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ રિઝર્વ બેન્કને આ પગલું લેવાની ફરજ પડી છે. રિઝર્વ બેન્કના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કેતન પારેખ પાસેથી નાણાં વસૂલવા માટેનું જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે અવાસ્તવિક છે. રિઝર્વ બેન્કનું માનવું છે કે બેન્કે રજૂ કરેલી રિકન્સ્ટ્રક્શનની સ્કીમમાં બેન્કની નેટવર્થ નેગેટિવ જ રહે તેમ છે.

માધુપુરામાં જે સહકારી બેન્કોનાં નાણાં ફસાયેલાં છે તેઓએ પ૦ ટકા નાણાં જતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનો બેન્કના ર્બોડે અને કો.ઓપરેટિવ બેન્ક્સ ફેડરેશને દાવો કર્યો હતો, પરંતુ રિઝર્વ બેન્કને આ અંગેનો કોઈ પણ બેન્કનો પત્ર મળ્યો નથી. આ ઉપરાંત ડીઆઇસીજીસીએ પણ સહકારી બેન્કોની નાણાં જતા કરવાની વિનંતીને ગ્રાહ્ય રાખી નહોતી.

રિઝર્વ બેન્કે ૨૩ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ માધુપુરા બેન્ક પર ફરીથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૩પ(એ) હેઠળનાં નિયંત્રણો લાદીને બેન્કને ડિફોલ્ટર્સ પાસેથી નાણાં રિકવર કરવા માટેની છેલ્લી તક આપી હતી. ત્યારબાદ ૧૬મી માર્ચ ૨૦૧૨ના રોજ બેન્કને ફડચામાં શા માટે ન લઈ જવી તેની કારણદર્શક નોટિસ આપી હતી. આ નોટિસના જવાબમાં ખુદ માધુપુરા બેન્કે નોંધ્યું હતું કે, બેન્કે આપેલા કુલ ધિરાણમાંથી ૭૨ ટકા અસલામત હતું. આ ઉપરાંત અનેક સહકારી બેન્કોએ માધુપુરાને પુનર્જીવિત કરવા માટે નાણાં આપવાની ખાતરી આપી હતી તે પૂરી કરી નહોતી.

અન્ય સહકારી બેંકોને કોઈ અસર નહિં થાય

'માધુપુરા કાચી પડયા બાદ છેલ્લા ૧૧ વર્ષમાં પ૦ ટકા વ્યક્તિગત થાપણદારોને નાણાં ચુકવાઈ ગયા છે, અને બેંકોને ૨૮ ટકા ચુકવાઈ ગયા છે. બેંકોએ માધુપુરામાં ફસાયેલા નાણાંનું નફામાંથી ૧૦૦ ટકા પ્રોવિઝન કરી દીધું છે. આથી હવે માધુપુરાનું લાયસન્સ કેન્સલ થવાના કારણે કોઈ સહકારી બેંકને અસર થાય તેવી શકયતા નથી. - જયોતન્દ્રિ‌ મહેતા, ચેરમેન, અર્બન કો ઓપરેટીવ બેંકસ ફેડરેશન

બેંકની હાલની નાણાંકીય સ્થિતિ

બેંકની નેગેટીવ નેટવર્થ ૧૩૧૬.પ૦ કરોડ
સીઆરએઆર નેગેટીવ ૧૯૪૧.૧ ટકા
ગ્રોસ એનપીએ ૯૯.૯૯ ટકા
બેંકની કુલ ખોટ ૧૩પ૭.૪૧ કરોડ
બેંકની તમામ ૭૪૪ કરોડની ડિપોઝીટનું ધોવાણ

હવે શું થશે?

માધુપુરા કો ઓપરેટીવ બેંક મલ્ટી સ્ટેટ બેંક છે. આથી સેન્ટ્રલ સહકારી રજીસ્ટારને હવે બેંકનો ચાર્જ સોંપી દેવાયો છે. સેન્ટ્રલ રજીસ્ટાર હવે ફડચા અધિકારીની નિમણુંક કરશે. આ ફડચા અધિકારી કેટલા નાણાં રિકવર થઈ શકે છે તે ચકાસશે, બેંકની મિલ્કતો વેચીને અને બેંક પાસે રિઝર્વ પડેલા નાણાંમાંથી ર્કોટના આદેશોને ધ્યાનમાં લઈને કોને કોને કેવી રીતે ચુકવી શકાય છે તે ચકાસશે.