બીજનિગમના ૯૭ લાખ ત્રણ વર્ષથી ફસાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય બીજનિગમ સાથે થયેલી છેતરપિંડીની રકમની હજુ ચોપડામાં જોગવાઈ કરાઈ નથી

આશા અમર છે. આ સ્લોગન ગુજરાત રાજ્ય બીજ નિગમ માટે લાગુ કરી શકાય. નિગમ સાથે ઓગસ્ટ ૨૦૦૯માં કથિત બનાવટી સહીઓથી છેતરપિંડીને ત્રણ વર્ષથી વધુ સમય થવા છતાં રૂ. ૯૬,૭૮,૨૭૭ રકમ વસૂલ કરવા આશાવાદી છે અને તેને કારણે ત્રણ વર્ષ થવા છતાં હિ‌સાબના ચોપડામાં કોઇ જોગવાઈ કરવામાં નથી આવી. જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ત્રણ વર્ષ પછી નિગમે આ રકમને બેડ ડેબ્ટ કે ડાઉટફૂલ ડેબ્ટ તરીકે ચોપડામાં દર્શાવવી જરૂરી છે.

૩૬મા વાર્ષિ‌ક અહેવાલમાં કેસની આપેલી વિગત મુજબ નિગમ જોડે ૨૧/૮/૨૦૦૯થી ૨૯/૮/૨૦૦૯ના ગાળામાં નિગમના જ અધિકારીઓની બનાવટી સહીઓથી જુદા જુદા ૮ ડુપ્લિકેટ ચેક ઇસ્યૂ કરીને કેટલીક વ્યક્તિઓએ ભારતીય સ્ટેટ બેન્કની ગાંધીનગર નિગમના ચાલુ બેંક ખાતામાંથી રૂ. ૯૬૭૮૨૭૭ની રકમ ઉપાડી લીધી હતી. નિગમે નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદમાં ૨ સપ્ટેમ્બરે આની ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદની ગુના શાખાએ તપાસ હાથ ધરી હતી. જે ખાતામાંથી નાણાં વગે કરવામાં આવ્યા હતાં તે ખાતામાંથી રૂ. ૧૯,૨૦,૧૨૦ વસૂલ કરાયા હતા. હજી આ બાબતની તપાસ ચાલુ છે. નિગમે નાણાં પાછાં મૂકવા એટલે કે પ્રથમ દૃષ્ટિએ રૂ. ૯૬,૭૮,૨૭૭ની રકમ માટે ભારતીય સ્ટેટ બેન્ક પાસે માગણી કરી હતી. નિગમે સીઆઇડી ગુના શાખાના અહેવાલને આધારે એલ.ડી.સી. મયુર કૃષ્ણલાલ જોશીને પ/૧૦/૨૦૦૯થી ફરજ મુક્ત કર્યા હતા. વાર્ષિ‌ક અહેવાલમાં વધુમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પોલીસે આ નાણાંનો ભાગ વસૂલ કર્યો હોવાથી અને બાકી રકમ વસૂલ કરવા માટે નિગમને આશા છે એના માટે હિ‌સાબના ચોપડામાં કોઇ જોગવાઈ કરવામાં આવી નથી.

અમને રકમ વસૂલ થવાની આશા છે : નિગમ
નિગમના નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે રકમ વસૂલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી દીધી છે અને તે વસૂલ થવાની અમને પૂરેપૂરી આશા છે. અમે રકમ વસૂલ કરવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અમે દોષિત સામે પગલાં પણ લીધા છે.

નિષ્ણાત શું કહે છે?: સામાન્ય રીતે નિગમે ત્રણ વર્ષે ચોપડામાં બેડ ડેબ્ટની જોગવાઈ કરવાની રહે છે. ઓગસ્ટ ૨૦૦૯માં બનેલી ઘટનાને ધ્યાનમાં લેતા નાણાં વર્ષ ૨૦૧૧-૧૨માં તેની ડાઉટફૂલ ડેબ્ટ તરીકે જોગવાઈ થવી જોઈએ. - અજીત શાહ, ચાર્ટડ એકાઉન્ટ