કેશુભાઇ વિસાવદર બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાપાએ પહેલીવાર અડવાણી પર કટાક્ષ કર્યો, પક્ષ કહે તો સરકારનું નેતૃત્વ કરવાની તૈયારીઆ ઝડપે તો નર્મદાનું કામ ૭૦ વર્ષે પૂરું થશેઃ કેશુભાઇ

કેશુબાપાનો ટંકારઃ વિધાનસભાની ૧૮૨ બેઠકો પર પરિવર્તન પાર્ટી ચૂંટણી લડશે

ગુજરાત પરિવર્તન પાર્ટીના વડા કેશુભાઇ પટેલે આજે નર્મદા યોજના વિશે નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે અત્યારે જે ઝડપે આ સરકાર કામ કરે છે તે રીતે જો કામ ચાલુ રાખશે તો નર્મદા કેનાલના નેટવર્કનું કામ બીજાં ૭૦ વર્ષ સુધી ચાલશે. કુલ ૭પ હજાર કિલોમીટર નેટવર્કનું કામ કરવાનું છે. જેમાંથી ૧પથી ૨૦ હજાર કિલોમીટરનું કામ થયું છે. જેમાંથી ૧૦ હજાર કિલોમીટરનું કામ તો અમારા વખતમાં થઇ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ રાજકોટમાં સૌરાષ્ટ્રના ૧૧પ ડેમોમાં ૧૦ હજાર કરોડના ખર્ચે નર્મદાનું પાણી ઠાલવવાની મહત્વકાંક્ષી યોજના જાહેર કરી છે. કેશુભાઇનું કહેવું છે કે નર્મદા યોજનાને સૌરાષ્ટ્રના લોકો સુધી પહોંચાડવામાં આપણે બહુ મોડું કરી દીધું છે.

કટારલેખકો સાથેની એક વિચાર ગોષ્ઠીમાં કેશુભાઇએ કહ્યું હતું કે મને ગામેગામ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હું હજી અડીખમ છું. વિસાવદરથી ચૂંટણી લડવાનો છું અને મારો પક્ષ કહેશે તો સરકારનું નેતૃત્વ પણ કરવા તૈયાર છું.

સંઘ કે વિહિ‌પ તમને સાથ આપશે કે કેમ એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની ઉંમર ૬૩ વર્ષની છે અને મેં ૬૧ વર્ષ આ લોકો સાથે કામ કર્યું છે. સ્વાભાવિક રીતે જ એ લોકોને મારા પ્રત્યે લાગણી હોય. કિસાન સંઘના આગેવાનો તો અમારી સાથે જ છે. બસપા અને એનસીપીના ગુજરાતના એકમો અમારા પક્ષમાં ભળી ગયા છે. અનેક સમાજ અમારી સાથે આવ્યા છે.

કોંગ્રેસ કે કોઈ સાથે ગઠબંધન કરવાના નથી

કોંગ્રેસ સાથે ગઠબંધન કરશો? એવા સવાલના જવાબમાં કેશુભાઇએ કહ્યું હતું કે અમે કોઇ પક્ષ સાથે ગઠબંધન કરવાના નથી. અમારો પક્ષ પ્રાદેશિક પક્ષ છે અને ગુજરાતમાં એક મજબૂત પ્રાદેશિક પક્ષની જરૂર છે. ગુજરાતે ઘણું ગુમાવ્યું છે હવે ગુમાવવા માગતા નથી.

અડવાણીજીને કોણ ઓળખી શક્યું છે?

કેશુભાઇએ સંઘ અને વિશ્વ હિ‌ન્દુ પરિષદના ટેકા વિશે ફોડ પાડીને વાત તો ન કરી પણ અડવાણીજી વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અડવાણીજીને કોણ ઓળખી શક્યું છે તો હું ઓળખી શકું? આ જવાબમાં તેમણે ઘણા સંકેતો આપી દીધા હતા.

આખરે કેશુભાઇની જીપીપીને પ્રદેશ કચેરી માટે ઓફિસ મળી