કેશુભાઈ બાદ હવે કાશીરામ પણ મોદીને ભીડવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ ખાતે બક્ષીપંચના વિશાળ સંમેલન માટે મોદીવિરોધી જૂથ સક્રિયકેશુભાઈ બાદ હવે કાશીરામને મેદાનમાં ઉતારીને મોદીને ભીંસમાં લેવાની નવી રણનીતિ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના આડે હવે મહિ‌ના ગણાઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વિવિધ સંમેલનોમાં રાજ્યની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ઉપર આકરા વાક-પ્રહારો કરીને અનેક તર્ક-વિકર્ત વહેતા કરી દીધા છે.

જેમાં હવે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દક્ષિણ ગુજરાતના ભાજપના મજબૂત અગ્રણી કાશીરામ રાણાનો ઉમેરો થયો છે. રાણાએ પણ ખુલ્લેઆમ ભાજપ સરકારને ભીંસમાં લેવાનો નિર્ધાર કરી લીધો હોય તેમ મોદીવિરોધી છાવણી દ્વારા બોટાદ ખાતે આયોજિત બક્ષીપંચ સંમેલનમાં હાજર રહીને તેમણે તેજાબી પ્રવચન કરવાનું સ્વીકારી લીધું છે.

નોંધનીય બાબત એ છે કે, આ સંમેલનમાં કેશુભાઈ પટેલ હાજર નહીં રહે. મોદીવિરોધીઓની રણનીતિ મુજબ ૧૦મીએ ઘોઘંબા હાઈવે નજીક એક ગામ પાસે યોજાનારી આદિવાસી અધિકાર ગર્જના રેલીમાં કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને હાલમાં જે તેમણે શ્રૂ કરેલી નવી રાજકીય સંમેલન-પ્રવચન શ્રેણી 'ડરો મત, ડર કે આગે જીત હૈ’ને સાર્થક કરતું પ્રવચન કરશે.

૧૨મીના સંમેલનથી કાશીરામ પ્રથમવાર મેદાનમાં ઉતરશે

કાશીરામ રાણા દ. ગુજરાતના મોટા રાજકીય નેતા ગણાય છે. ૨૦૦૯ની ચૂંટણીઓમાં તેમને ટિકિટ ન અપાતા તેઓ મોદીથી નારાજ થયા છે. જો કે તેમની નારાજગી પક્ષની અંદર હોવાથી પક્ષ માટે નુકસાનકર્તા ન હતી. પરંતુ હવે તેઓ ૧૨મીથી પ્રથમવાર વિરોધી છાવણીના જાહેર સંમેલનમાં ભાજપની વિરુદ્ધમાં પ્રવચન કરશે.

આદિવાસીઓના અધિકાર મગાશે

કેશુભાઈ પટેલ આદિવાસીઓની રેલીમાં હાજર રહીને તેમની 'ડરો નહીં,ડર કે આગે જીત હૈ’ શ્રેણીને આગળ વધારીને આદિવાસીઓને થયેલા અન્યાયની વાત મૂકી, તેમના અધિકારની માંગણી કરશે. સંમેલનોમાં ઝડફિયાની હાજરી કેશુભાઈ-કાશીરામ તેમની સાથે હોવાનો સંકેત હશે

સંઘની વિચારસરણી સાથે મહાગુજરાત જનતા પાર્ટી‍ના સ્થાપક ગોરધન ઝડફિયા પણ ૧૦મી અને ૧૨મીના બંને સંમેલનોમાં હાજર રહીને ભાજપના કેશુભાઈ પટેલ તથા કાશીરામ રાણા તેમની સાથે છે, તેવો સ્પષ્ટ સંકેત ભાજપને આપશે.

કાશીરામથી ભાજપને શું નુકસાન થઈ શકે ?

ભાજપ એમ માને છે કે, ટિકિટ ન મળવાને કારણે કાશીરામ નારાજ તો હતા જ અને તેમણે પક્ષની વિરુદ્ધમાં કામ પણ કર્યુ હતું.તેનાથી ભાજપને કાંઈ જ નુકસાન થયું ન હતું.વાસ્તવિકતા એ છે કે, કાશીરામ બક્ષીપંચના મજબૂત નેતા છે અને તેઓ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની અનેક બેઠકો ઉપર ભાજપને નુકસાન પહોંચાડવા સક્ષમ હોવાનું મનાય છે.

'ડર કે આગે જીત હૈ’ શ્રેણીનો અર્થ શું છે ?

કેશુભાઈ પટેલે ગુજરાતના રાજકારણમાં એકાએક સક્રિય થતાં જ તેમનાં પ્રવચનોમાં 'ડરો મત, ડર કે આગે જીત હૈ’ જેવાં વાક્યોચ્ચાર શરૂ કર્યા છે.જેને તેમના સાથીઓ એક સંમેલન-શ્રેણી માની રહ્યા છે.આવો વાક્ચોચ્ચાર શા માટે ? એમ પૂછાય છે ત્યારે કહેવાય છે કે, એ તો સમય આવ્યે ખબર પડશે.હવે કોઈએ કોઈથી ડરવાની જરૂર નથી.