જી. એલ. સિંઘલને CBIએ આજે પૂછપરછ માટે બોલાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇશરત કેસમાં પણ સિંઘલની પૂછતાછ થાય તેવી શક્યતા

સાદિક એન્કાઉન્ટર કેસમાં તરુણ બારોટની ધરપકડ બાદ હવે સીબીઆઈએ આઈ.પી.એસ. અધિકારી જી. એલ. સિંઘલને પૂછપરછ માટે શનિવારે બોલાવ્યા છે. આ સિવાય તે તપાસમાં તેમની સહાય કરનાર તત્કાલીન સિનિયર ઈન્સ્પેકટર એચ. પી. અગ્રવાતને પણ પૂછપરછ માટે સમન્સ કરાશે તેવું સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું.

તરુણ બારોટને પણ પૂછપરછ માટે બોલાવ્યા બાદ સીબીઆઈએ ધરપકડ કરી હોવાથી જી એલ સિંઘલનું શું થશે તે બાબતે પોલીસ બેડામાં ભારે ચર્ચા છે.

સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૦૩માં નરોડાની ગેલેકસી સિનેમા નજીક સાદિક જમાલનું એન્કાઉન્ટર થયું ત્યારે સિંઘલ ક્રાઈમ બ્રાન્ચના એસીપી હતા. સાદિક જમાલના એન્કાઉન્ટર બાદ નોંધાયેલા ગુનાની તપાસ સિંઘલ અને અગ્રવાતે કરી હતી. સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે જે એજન્સી એન્કાઉન્ટર કરે તે જ એજન્સીના અધિકારી કોઈ ગુનાની તપાસ કેવી રીતે કરી શકે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ તપાસ સોંપનારની પણ આ બાબતે પૂછપરછ કરાશે.

હાલમાં જ સિંઘલને આઈ બીમાં ટ્રાન્સફર કરાયા હતા. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર સોહરાબ કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરી હતી. તદુપરાંત જી એલ સિંઘલ, ઈશરત જહાં એન્કાઉન્ટરના તપાસના દાયરામાં પણ છે. તે કેસમાં પણ સીબીઆઈ ટૂંક સમયમાં તેમની પૂછપરછ કરે તેવી સંભાવના છે.