અમદાવાદ: નિર્ણયનગરના જૂના ગરનાળામાં ગર્ડરથી બસો બંધ થઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રેલેવેએ ઊભી કરેલી ગર્ડરથી કારચાલકો પોતાનાં જોખમે જુના ગરનાળામાંથી વાહનો કાઢી રહ્યાં છે)
- રેલવેએ લોખંડની ગર્ડર ઊભી કરી દીધી
- પરેશાની: નિર્ણયનગર તરફ જવા વાહનચાલકોને અડધો કિમી વધુ ફરવું પડે છે
- નવા અંડરપાસમાં પણ એક બાજુનો સર્વિ‌સ રોડ ન બનાવાતાં મુશ્કેલી
અમદાવાદ : નિર્ણયનગરના જૂના ગરનાળાની શરૂઆતમાં જ રેલવે વિભાગે લોખંડની ગર્ડર લગાવતાં હાલાકી થતી હોવાની ફરિયાદો સ્થાનિકોમાં ઊઠી છે. પહેલાં ગરનાળામાંથી નિર્ણયનગર તરફ આવતી તમામ બસો ગર્ડર લગાવ્યા બાદ બંધ થઈ ગઈ છે અને વાહનચાલકોને પણ અડધો કિલોમીટર વધારે ફરવું પડે છે. બીજી તરફ તંત્ર દ્વારા નવો અંડરપાસ તો બનાવાયો છે, પરંતુ તેમાં બે સાઇડ સર્વિ‌સરોડની જગ્યાએ માત્ર એક જ જગ્યાએ સર્વિ‌સ રોડ આપ્યો છે, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.

અત્યાર સુધી નવા વાડજમાં પેટ્રોલપંપ નજીક આવેલા જૂના ગરનાળામાંથી જ મોટા ભાગનો વાહન વ્યવહાર ચાલતો હતો અને લોકો ત્યાંથી સીધા નિર્ણયનગર થઈ આગળ અવરજવર કરતા હતા, પરંતુ કોઈ કારણથી થોડા દિવસ પહેલાં રેલવે વિભાગે ગરનાળામાં લોખંડનાં ગર્ડર લગાવી દીધી હોવાથી આ રસ્તો બંધ થઈ ગયો છે, પણ હવે બસો તથા કાર ત્યાંથી પસાર થઈ શકતાં નથી. બીજી તરફ સત્વરે બસો શરૂ કરવામાં નહીં આવે તો મ્યુનિ. કચેરી ખાતે દેખાવો યોજવામાં આવશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરનાળામાં ગર્ડર રેલવે વિભાગ દ્વારા લગાવાઈ છે, મ્યુનિ.એ તે લગાવી નથી.