સફાઈ કામદારની હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાની માગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાલ્મીકિ સમાજના પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું

મકરબા ગામના માજી સરપંચ રામભાઇ ભરવાડના ઘરે સફાઇ કામ કરતા જોયકુમાર સીગરોટિયાની હત્યા કરાનારાઓને ત્રણ દિવસ પછી પણ પોલીસ શોધી નહીં શકતા વાલ્મીકિ સમાજના ૧પ૦ લોકોના પ્રતિનિધિમંડળે શુક્રવારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમણે રામભાઈ ભરવાડ સામે ખૂન તેમ જ એટ્રોસીટીનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તથા કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવા માંગણી સાથે વાલ્મીકિ સમાજનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર શિવાનંદ ઝા ને મળ્યું હતું અને આવેદન પત્ર આપ્યું હતું. જોકે આ પહેલાં કમિશનરને મળવા માટે પ્રતિનિધિમંડળે બે કલાક બેસી રહેવું પડયું હતું.

સરખેજ ગામ વાલ્મીકિ વાસમાં રહેતા જોયકુમાર સીગરોટિયા(૪૨)ની હત્યા રામભાઇ ભરવાડના ઘરમાં જ કરાઈ હતી અને તેમને મૂઢમાર મારવા ઉપરાંત ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમ છતાં સરખેજ પોલીસે રામભાઇ ભરવાડ, તેમના દીકરા કે તેમના માણસો વિરૂધ્ધ ખૂનનો ગુનો નોંધ્યો નહીં હોવાથી વાલ્મીકિ સમાજના લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.બીજી તરફ ડીસીપી ઝોન-૭ના ર્નીલિ‌પ્ત રાયના જણાવ્યું હતું કે, જોયકુમારની હત્યાના કેસની તપાસ કરી રહી રહેલી સરખેજ પોલીસને હાલમાં હત્યારાઓ વિશે કોઇ ભાળ મળી નથી, જેથી ત્રણ દિવસ પછી પણ તપાસ જ્યાંથી શરૂ થઇ હતી તે જ તબક્કે છે.

ન્યાય નહીં મળે તો આંદોલન
સમાજના દિલીપભાઈ પુરબિયાએ જણાવ્યું હતું કે, 'અમે પોલીસ કમિશનરને મળ્યા હતા. તેમણે અમને સાંભળીને નિષ્પક્ષ તપાસ કરીને ગુનેગારોને ઝડપી લેવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.