સાદીક કેસમાં સિંઘલની ત્રણ કલાક પૂછપરછ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ કારતૂસના બોર અને તારિક પરવિન વિષે પ્રશ્નો પૂછ્યા

સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ શનિવારે આઈપીએસ અધિકારી જી.એલ. સિંઘલની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈ સૂત્રોના કહેવા પ્રમાણે સાદીક જમાલ એન્કાઉન્ટર બાદ જાન્યુઆરી ૨૦૦૩માં ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસના તેઓ સુપરવાઈઝરી અધિકારી હતા. તે એફઆઈઆરમાં સમરી રિપોર્ટ ભરાયો હોવાથી તેમની પૂછપરછ અનિવાર્ય હોવાનું સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે સીબીઆઈએ શુક્રવારે સમન્સ પાઠવી, હાલમાં આઈબીના એસ.પી. તરીકે ફરજ બજાવી રહેલા જી.એલ. સિંઘલને પૂછપરછ માટે શનિવારે હાજર રહેવા જણાવ્યું હતું. જેથી જી.એલ. સિંઘલ શનિવારે બપોરે લગભગ ૧૨ વાગ્યે સેકટર-૧૬માં આવેલી પાટનગર યોજનાભવન ખાતેની સીબીઆઈ કચેરીમાં હાજર થયા હતા.

સીબીઆઈએ તેમની બે મુદ્દા પર વિસ્તૃત પૂછપરછ કરી હતી. જેમાં સાદીક જમાલ પાસેથી મળી આવેલી રિવોલ્વર અને તેમાં ભરાયેલા કારતૂસ કયા બોરના હતા અને સાદીક જમાલ જેમને ત્યાં ઘરઘાટી તરીકે દુબઈમાં નોકરી કરતો હતો તે દાઉદ ઈબ્રાહીમના માણસ તારિક પરવિન વિષેના પ્રશ્નો હતા. જરૂર પડે ફરી પૂછપરછ થશે તેવું જણાવી સીબીઆઈએ બપોરના ત્રણ વાગ્યે જી.એલ. સિંઘલને જવા દીધા હતા.

તપાસમાં ૩૨ બોરના નીકળ્યા

એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા સાદીક જમાલના ભાઈ શબ્બીર જમાલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી રિટમાં જી.એલ. સિંઘલે એફિડેવિટ રજૂ કરી હતી જેમાં સાદીક જમાલને આતંકવાદી બતાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમાં એવું પણ જણાવ્યું હતું કે સાદીક જમાલ પાસેથી મળી આવેલી રિવોલ્વરમાં કારતૂસ ૩૮ બોરના હતા.

હવે .૩૮ બોર પ્રોહિ‌બિટેડ બોર છે અને તે માત્ર સરકારી અધિકારીઓ જ વાપરી શકે છે. તેથી સીબીઆઈએ સીએફએસએલમાં તેને કારતૂસની ચકાસણી કરાવતા તે કારતૂસ ખરેખર. ૩૨ બોરના નીકળ્યા હતા. તેથી સીબીઆઈએ ૩૨ બોર કેવી રીતે. ૩૮ બોર થયું તે અંગે જી.એલ. સિંઘલની પૂછપરછ કરી હતી.

તારિક પરવીનને જુલાઈ ૨૦૦૪માં દુબઈથી ભારત ડીપોર્ટ કરાયો હતો

જાન્યુઆરી ૨૦૦૩માં ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી સાદીક જમાલ એન્કાઉન્ટરની ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે દાઉદ ઈબ્રાહીમ, તેના ખાસ માણસ તારિક પરવિન અને છોટા શકીલને પણ આરોપી બતાવ્યા હતા. જો કે મુંબઈમાં ચાલી રહેલા સહારા બિલ્ડિંગ કેસમાં તારિક પરવિનને જુલાઈ ૨૦૦૪માં દુબઈથી ભારત ડીપોર્ટ કરાયો હતો. તે ભારતમાં હોવા છતાં અને આરોપીઓ પૈકીનો એક હોવા છતાં ક્રાઈમ બ્રાન્ચે ડિસેમ્બર ૨૦૦૪માં સાદીક જમાલ એન્કાઉન્ટરમાં ભરેલી સમરી રિપોર્ટ સુધી તેની ધરપકડ કેમ ન કરી તે અંગે પણ જી.એલ. સિંઘલને પ્રશ્નો પૂછાયા હતા.