૧૩મીએ અ'વાદમાં એક જ પરિવારના પાંચ સહિ‌ત આઠ જણાં દીક્ષા અંગીકાર કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા પરિવારના મોભી સહિ‌ત પાંચ સભ્યો મળી કુલ આઠ સભ્યો આગામી ૧૩મી તારીખે દીક્ષા અંગીકાર કરી પ્રવચનકાર મુનિ તત્ત્વપ્રભ વિ.મ.સા.ના સાંનિધ્યમાં સંયમજીવનની શરૂઆત કરશે. આ અગાઉ આ જ પરિવારની ચાર જેટલી પુત્રીઓએ ૧૦ વર્ષ અગાઉ ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો હતો.

બનાસકાંઠાના વતની અને વર્ષોથી શહેરના શાહીબાગ વિસ્તારમાં ધંધાર્થે સ્થાઈ થયેલા વારૈયા અમૃતલાલ ગગલદાસના જ્યેષ્ઠ પુત્ર મુક્તિભાઈ (મહેન્દ્રભાઈ) અને તેમના પત્ની પ્રભાબહેનની ચાર પુત્રીઓએ ૧૦ વર્ષ પૂર્વે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે પોતાની પુત્રીઓના આલંબનથી તેમજ મુનિ તત્ત્વપ્રભ વિ.મ. સાની પ્રેરણાથી ખુદ મુક્તિભાઈ ઉં.વર્ષ - પ૪, પ્રભાબહેન (પ૩) તેમના પુત્રો કૌશિક (૨૧) અને અક્ષય (ઉં. વર્ષ - ૧૬) તથા પુત્રી પૂજા (૧૯) એમ એકજ પરિવારના પાંચ સદસ્યો તેમજ અન્ય ત્રણ લોકો મળી કુલ આઠ સદસ્યો એક જ સમયે સંયમ લેવા તૈયાર થયા છે.

જેના ભાગરૂપે ૯ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી શાહીબાગના ઓશવાળ ભવનમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ૧૨મીએ સવારે ૯થી ૧૨ કલાકે વર્ષીદાન યાત્રા નીકળશે. જ્યારે ૧૩મીએ સવારે ૬ કલાકે દીક્ષા વિધિ યોજાશે અને દીક્ષા અંગીકાર કર્યા બાદ તેઓ પ્રવચનકાર મુનિ તત્ત્વપ્રભ વિજયજી મ.સા.ના સાંનિધ્યમાં સંયમજીવનની સાધના કરશે. આ કાર્યક્રમમાં શ્રીમદ્ વિજય રામચંદ્ર સુરીશ્વરજી સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પુણ્યપાલ સુ.મ.સા સહિ‌ત ૨૦૦ જેટલા સાધુ - સાધ્વીજી હાજર રહેશે.