હોટેલ બિઝનેસમાં અમદાવાદ હવે 'બિલિયોનેર', બનશે ટોપ લેવલની હોટલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હોટેલ બિઝનેસમાં અમદાવાદ હવે 'બિલિયોનેર' - ગુજરાતમાં થઇ રહેલા ઇન્વેસ્ટમેન્ટ્સની સાથે સાથે હવે અમદાવાદમાં આવી રહેલી હોટેલ્સનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરોડોના સ્થાને નહીં અબજોમાં પહોંચ્યું છે. આવનારા સમયમાં આવી રહેલા મોટા ઉદ્યોગકારોને આકર્ષવા માટે શહેર હવે મલ્ટિપલ હોટેલ્સથી થઇ રહ્યું છે સજ્જ

- ૬૦૦ કરોડથી વધુના રોકાણો કરવામાં આવશે

- વિદેશની ટોપની હોટેલ ચેઇન્સ શહેરમાં આવશે

ઇન્ડસ્ટ્રીમાં ઝડપી પ્રગતિ કરી રહેલું ગુજરાતનું કેપિટલ અમદાવાદ હવે હોટેલ ઉદ્યોગમાં 'બિલિયોનેર’ બની રહ્યું છે. અમદાવાદમાં અને તેની આજુબાજુ કરોડોમાં નહીં હવે અબજો રૂપિયાના હોટેલ પ્રોજેક્ટ આવી રહ્યા છે. હાલમાં જ અમદાવાદના હાર્દમાં શરૂ થયેલી રેડીસન બ્લૂમાં રૂ. ૯૦ કરોડથી રૂ. ૧૦૦ કરોડનું રોકાણ કરાયું છે. જ્યારે આવી રહેલી ગ્રાન્ડ હયાતમાં અંદાજે રૂ. ૨૦૦ કરોડ સુધીનું રોકાણ કરાશે એમ ઇન્ડસ્ટ્રીના સૂત્રોમાં ચર્ચા થઈ રહી છે.

આ ઉપરાંત અન્ય કેટલાક હોટેલના પ્રોજેકટ પણ રૂ. ૧૦૦ કરોડથી વધુ છે અને તેમાં ત્રણેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે એમ ઉદ્યોગ સાથે સંકળાયેલો જાણકાર વર્ગ જણાવે છે. દેશ અને વિદેશની ટોચની હોટેલ ચેઇન ગુજરાતમાં નવા પ્રોજેકટ સ્થાપવા જઈ રહી છે. માત્ર અમદાવાદ નહીં સુરત અને વડોદરામાં પણ આગામી ત્રણ- ચાર વર્ષમાં નવી હોટેલો ઊભી થઈ રહી છે.

દેશમાં છેલ્લાં બે વર્ષમાં ઇકોનોમી ધીમી થઈ હોવા છતાં તેની સરખામણીએ ગુજરાતમાં ગ્રોથ જળવાયો છે અને તેનાથી આકર્ષાઈને વિદેશી બિઝનેસમેનની અવરજવરમાં વૃદ્ધિ થઈ છે એમ જણાવીને વેસ્ટ ઇન હોટેલના પ્રમોટર ડિરેકટર આશિષ ખુરાના જણાવે છે કે હોટેલ ઇન્ડસ્ટ્રી હંમેશાં સાઇકિલકલ પ્રોસેસ આધારિત હોય છે. હાલમાં જ સરકાર દ્વારા એક પછી એક રિફોર્મ પગલાં લેવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટનું વાતાવરણ સુધરે એવી આશા છે અને તેને કારણે ગુજરાતમાં નવું રોકાણ આવવાની સંભાવના છે.

આમ પણ વાઇબ્રન્ટ પ્રોજેક્ટો અમલીકરણના તબક્કામાં આવતા દેશ અને વિદેશમાંથી બિઝનેસ સાથે સંકળાયેલા વર્ગની અવરજવરમાં વધારો થયો છે. એનઆરજીની સંખ્યામાં નવેમ્બરથી માર્ચ સુધીના ગાળામાં ખાસ વધારો જોવાતા તે પિક સિઝન ગણાતો હતો પરંતુ હવે તેવું રહ્યું નથી.

ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિલ્સ, કેમિક્લ્સ, એન્જિનિયરિંગ અને રિયાલ્ટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની અવરજવર વર્ષભર રહેતી હોવાનું જોવાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રસંગને કારણે પણ ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રીઝને નવો વેગ મળ્યો છે. આને કારણે નવા હોટેલ પ્રોજકેટો માત્ર અમદાવદ જ નહીં પણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ સ્થપાઈ રહ્યા છે.

ફોરેન બિઝનેસ ટ્રાવેર્લ્સ વધ્યા

છેલ્લા એક વર્ષમાં આર્થિ‌ક ગ્રોથ ધીમો થવા છતાં અમદાવાદમાં વિદેશી ટ્રાવેર્લ્સમાં ૧પ ટકાનો વધારો થયો છે. આમાં વિદેશી વેપારી અને ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે દેશના અન્ય સ્થળ, શહેરમાંથી બિઝનેસ માટે આવતા વર્ગમાં ૨પ ટકા સુધીનો વધારો થયો છે. કેટલાક સવારના આવી રાતના પાછા પોતાના સ્થળોએ નીકળી જતાં હોવાની સંખ્યા આના કરતાં વધુ છે.

અંદાજિત મોટા રોકાણ પ્રોજેકટ

ગ્રાન્ડ હયાતનો રૂ. ૨૦૦ કરોડ, હોલિડે ઇનનો રૂ. ૧૨પ કરોડ, રેડીશન બ્લૂનો રૂ. ૯૦-૧૦૦ કરોડ, હાલમાં જ કોટયાર્ડ મેરિયોટમાં પ્રમોટરોનો રૂ. ૧પ૦ કરોડમાં હાથબદલો

આગામી એક વર્ષમાં વાતાવરણ બદલાશે

શહેરના હોટેલ ઉદ્યોગમાં રૂમની સંખ્યા એક વર્ષમાં બમણી થઈને ૪૨૦૦ થઈ છે. આને કારણે સપ્લાય વધ્યો છે. એક વર્ષ સુધી માગ - પુરવઠાનું ગણિત કામ કરશે. ઇન્ડસ્ટ્રી સાઇકલિકલ નેચરની રહેતાં એક વર્ષમાં વાતાવરણ બદલાશે અને ઓકયુપન્સી રેટમાં વધારો થશે. તુલસી ટેકવાની, પ્રેસિડેન્ટ, હોટલ ઇન્ડસ્ટ્રી એસો.

મોટા રોકાણ પાછળનાં કારણ

જમીનના ભાવ વધવા
વધુ રૂમ્સના હોટેલ પ્રોજેકટ
આધુનિક અને સ્ટાર હોટેલ
આંતરાષ્ટ્રીય સ્તરની સુવિધા


Related Articles:

અમદાવાદમાં શરૂ થઈ વધુ એક ફાઈવસ્ટાર હોટલઃ PHOTOS

તસવીરો - વિજય સોનેજી