તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશરત એન્કાઉન્ટર કેસઃ ‘અધિકારી તરીકે પાંડેએ કાયદાનો અમલ કરવાનો હોય’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇશરત જહાં બોગસ એન્કાઉન્ટર કેસમાં એફઆઇઆર રદ કરવાની પાંડેની અરજી ફગાવતાં હાઇકોર્ટે ઠેરવ્યું હતું કે,‘ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી તરીકે પાંડે પાસેથી કાયદાનો અમલ કરવાની આશા હોય. પરંતુ તેઓ ભાગેડુ જાહેર થયા છે, તેવા સંજોગોમાં તેમની અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.’ હાઇકોર્ટના જસ્ટિસ હષૉબહેન દેવાણીએ આ અરજીમાં ચાર પ્રશ્નોના વિગતવાર જવાબ આપતા અગત્યનો ચુકાદો આપ્યો હતો.

ચાર પ્રશ્નો અને તેના જવાબ

૧. અરજદારની અરજી ટકી શકે તેમ છે કે કેમ?

જ. એકવાર એફઆઇઆર થઇ હોય તો કોર્ટની જોગવાઇઓ પ્રમાણે અરજદારને રાહત મળવી જોઇએ. હાઇકોર્ટની ખંડપીઠે કેસનું મોનિટરિંગ કરતી હોય તો અરજદારનો હક જતો રહેતો નથી. અરજદારે હાઇકોર્ટની ખંડપીઠનો આદેશ નથી પડકાર્યો પરંતુ તેને આરોપી બનાવવાના સીબીઆઇના નિર્ણયને પડકાર્યો છે. ત્યારે કોર્ટ પાસે સત્તા છે કે તેને રાહત આપવી કે કેમ?

૨. કેસનું મોનિટરિંગ કરતી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કેસ મુકાવો જોઇએ કે કેમ?

જ. આ કેસનું મોનિટરિંગ કરતી ખંડપીઠની ભૂમિકાના કેસની તપાસ અને પ્રગતિ યોગ્ય થાય છે કે કેમ તે જોવાનું છે. જ્યારે કે આ સિંગલ જજની બેંચને કવોશિંગ પિટિશન આપવામાં આવી છે. જેનો આદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આપ્યો છે અને તેઓ માસ્ટર ઓફ ધી રોસ્ટર છે. તેથી સિંગલ જજની બેંચ આ કેસ ખંડપીઠ સમક્ષ મૂકવાનો આદેશ કરી શકે નહીં.

૩. અરજદાર ભાગેડુ આરોપી હોય તો તેની અરજી ગ્રાહ્ય કરી શકાય કે કેમ?

જ. કોર્ટે અરજદારને ભાગેડુ જાહેર કર્યા છે. જો કે, તેઓ કાયદાના ઉચ્ચ અધિકારી હોવાથી કાયદાનો અમલ કરવા તેઓ બંધાયેલા છે. તેમણે તપાસ એજન્સીને સહકાર કરવાનો હોય. પરંતુ આ કેસની હકીકતો જોતાં અરજદારે કાયદાનું પાલન કર્યું હોય તેવું જણાતું નથી. તેથી તેમની અરજી ગ્રાહ્ય કરી શકાય નહીં.

૪. કવોશિંગ (કેસ રદ કરવાની ) માટેનો આ ફીટ કેસ છે કે કેમ?

જ. આ કેસમાં જ્યારે બે દિવસ બાદ સીબીઆઇ ચાર્જશીટ ફાઇલ કરવાની હોય. તેવા સંજોગોમાં કાયદાની ચોક્કસ પદ્ધતિ પ્રમાણે એફઆઇઆર રદ કરી શકાય નહીં. આ સંજોગોમાં ૪૮૨ હેઠળની અરજદારની અરજીની હકીકતો જોતાં તેને મંજુર કરી શકાય નહીં અને તેમની રિટ રદ કરાય છે.

પાંડે તરફથી થયેલી રજુઆત
તેની સામે કોઇ ગુનો બનતો નથી અને તેની ભૂમિકા માત્ર આઇબીના ઇનપુટ તેના તાબા હેઠળના અધિકારીઓને આપવા પૂરતી હતી. ૨૦૦૪ની અને નવેસરથી થયેલી બંને એફઆઇઆર પરસ્પર જોડાયેલી નથી અને તે અરજદાર વિરુદ્ધના આક્ષેપોનું સમર્થન કરતી નથી. તેઓ ખોટી માહિતી અને કોઇ પણ ઘટનાના કિસ્સામાં સંડોવાયેલા નથી.

સીબીઆઇએ કરેલી દલીલો
પાંડે એન્કાઉન્ટરનો ‘માસ્ટર માઇન્ડ’ હતો અને સમગ્ર ઘટના તેના કંટ્રોલ અને સુપરવિઝનમાં હતી.
કેસની તપાસમાં મૃતકોની ગેરકાયદેસરની પૂર્વ કસ્ટડી પોલીસ પાસે હોવાનું સામે આવ્યું છે, જે ૧૨૦(બી) ગુનાઇત કાવતરાનો કેસ સાબિત કરે છે.
અરજદાર પાસે ઘટનાસ્થળેથી મળેલી કારના રંગ અને તે ક્યારે શહેરમાં પ્રવેશી તેના ચોક્કસ સમયની માહિતી હતી, જે શંકા ઉપજાવનારી છે.
પાંડે ભાગેડુ આરોપી છે અને તે તપાસમાં સહકાર આપવા હાજર થયો નથી, તેથી તેને કોર્ટથી રક્ષણ મળવું જોઇએ નહીં.

એડવોકેટ આઇ.એચ. સૈયદની રજુઆતો
એફઆઇઆર પોલીસ અધિકારક્ષેત્ર હેઠળનો ગુનો થયો હોવાનું જાહેર કરે છે.
પાંડેએ પહેલાંની એફઆઇઆરમાં જે વર્ઝન આપ્યું છે તે જ તેની સામેના પુરાવા તરીકે પૂરતું છે.
જો મૃતકોની પૂર્વ કસ્ટડી હોય તો પહેલાં નોંધાયેલી એફઆઇઆર જ ગુનાઇત કાવતરું સાબિત થાય.
ચાર્જશીટ થવાની હોય અને તપાસ પૂર્ણતા પણ હોય ત્યારે એફઆઇઆર રદ કરવાનો મુદ્દો ગેરવ્યાજબી જણાય છે.