• Gujarati News
  • High Court Notice To Civil Hospital For Without Tendor Stole

અમદાવાદ: સિવિલ હોસ્પિ.માં ટેન્ડર વિનાના સ્ટોલ મુદ્દે હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લાલ આંખ: માર્ચ-2014માં સ્ટોલ માટે ટેન્ડર પ્રક્રિયાનો આદેશ કરાયો હતો
- સિવિલ સુપરિ. ડો. પ્રભાકર સહિતનાને નોટિસ અપાઈ
અમદાવાદ : અમદાવાદની પ્રતિષ્ઠિત સિવિલ હોસ્પિટલમાં 43થી વધારે ચા-કોફી, નાસ્તા કે ફ્રુટના સ્ટોલ ફાળવવામાં હાઇકોર્ટના આદેશ બાદ પણ કોઇ ટેન્ડર પ્રક્રિયા નહીં થઇ હોવાના મામલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ થઇ હતી. જે કેસમાં જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ આર.ડી. કોઠારીની ખંડપીઠે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકર સહિત અન્યોને નોટિસ પાઠવી છે.

આ કેસની વિગત એ‌વી છે કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી ધમધમતા ચા-કોફી, નાસ્તા, ફ્રુટ અને મેડિકલ સ્ટોરને ટેન્ડર પ્રક્રિયા સિવાય આપવામાં આવ્યા છે. તે તમામને ગેરકાયદેસર રીતે જગ્યા આપવામાં આ‌વી હોવાની તેમજ ગેરકાયદેસર રીતે બાંધકામો કરી દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પિટિશનમાં કરવામાં આવી હતી. જે કેસમાં અગાઉ હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ થતાં સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. માર્ચ 2014માં સિવિલ હોસ્પિટલ દ્વારા સ્ટોલ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેથી ટેન્ડર દ્વારા સ્ટોલની ફાળવણી કરવાના આદેશ સાથે હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો હતો.

જોકે તે બાદ ટેન્ડર પ્રમાણે કોઇ કાર્યવાહી ન થતાં તેમજ જૂના સ્ટોલને હટાવી નવેસરથી ટેન્ડર કરવાની કામગીરી પણ હાથ ધરાઇ ન હતી. આ ઉપરાંત તંત્રએ માત્ર સ્ટોલને ખાલી કરવાની નોટિસ આપી હતી. ખરેખર આ જગ્યા ખાલી કરાવવા માટે કોઇ યોગ્ય પગલા લીધા ન હતા. પરિણામે આ સમગ્ર પ્રકરણમાં અરજદાર બલદેવભાઇએ એડવોકેટ પરેશ મહેતા મારફત હાઇકોર્ટ સમક્ષ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ પિટિશન દાખલ કરી હતી. જે કેસમાં હાઇકોર્ટે નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 2જી ડિસેમ્બર પર મુલત્વી રાખી છે. તેમજ તંત્રને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

43થી વધુ સ્ટોલની ફાળવણીમાં ગેરરીતિ

સિવિલ હોસ્પિટલમાં ધમધમતા 43થી વધુ ચા-કોફી, નાસ્તા, ફ્રુટ અને મેડિકલ સ્ટોરને ટેન્ડર પ્રક્રિયા સિવાય આપવામાં આવ્યા છે. તે તમામને ગેરકાયદેસર રીતે જગ્યા આપવામાં આ‌વી હોવાની તેમજ ગેરકાયદેસર રીતે બાંધકામો કરી દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.