• Gujarati News
  • High Court Cancel Municipal Chief Officer Recruitment And Order To Main Test

મ્યુનિ. ચીફ ઓફિસરની ભરતી રદ કરી મેઇન પરીક્ષા લેવા હાઈકોર્ટનો આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ચુકાદો:જીપીએસસી દ્વારા મેઇન એક્ઝામ જ રદ કરવાનો નિર્ણય અયોગ્ય
-જાન્યુ. 14માં પ્રીલિમ બાદ સીધા ઇન્ટરવ્યૂ લેવાયા હતા
-3 માસમાં મેઇન પરીક્ષા લઈ 1 માસમાં નિમણૂક કરવી પડશે

અમદાવાદ : રાજ્યની વિવિધ મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરની ભરતીમાં જીપીએસસીએ મેઇન એક્ઝામને જ રદ કરી દેવાનો નિર્ણય હાઈકોર્ટે અયોગ્ય ઠેરવ્યો છે અને આગામી 3 મહિનામાં ફરીથી મેઇન પરીક્ષા લઈ તેને આધારે નિમણૂકો આપવા માટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જીપીએસસીની આ પ્રક્રિયા બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.અરજદાર જયેશ બ્રહ્મભટ્ટે એડ્વોકેટ મહેશ ભાવસાર મારફતે કરેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જીપીએસસી દ્વારા પ્રીલિમનરી પરીક્ષા પાસ કરનારા 109 જેટલા સભ્યો પૈકી 30 સભ્યોના ઇન્ટરવ્યૂ લઈને તેમને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસરની ભરતી માટે પ્રથમ પ્રીલિમિનરી પરીક્ષા બાદ મેઇન પરીક્ષા બાદ ઉતીર્ણ જાહેર કરાયેલા ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવે છે. જોકે જીપીએસસી દ્વારા મેઇન પરીક્ષા યોજ્યા સિવાય જ ઇન્ટરવ્યૂ મારફતે નિમણૂકો આપી દેવાઈ હતી.

જોકે ગુરુવારે કાર્યકારી ચીફ જસ્ટિસ વી.એમ. સહાય અને જસ્ટિસ આર.પી. ધોલરિયાની ખંડપીઠે જીપીએસસી દ્વારા મેઇન પરીક્ષા નહીં યોજવાના નિર્ણયને રદ જાહેર કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ પ્રીલિમનરી પરીક્ષામાં પાસ થયેલા તમામ ઉમેદવારોની મેઇન પરીક્ષા આગામી 3 મહિનામાં યોજવા માટે પણ આદેશ આપ્યો છે. આ સાથે પરીક્ષા યોજાયા બાદ 1 મહિનામાં પાસ જાહેર થયેલા તમામ ઉમેદવારોને નિમણૂક આપી દેવા આદેશ આપ્યો છે. એટલે કે 4 મહિનામાં આખી પ્રક્રિયા પૂરી કરવા માટે આદેશ આપ્યો હતો.

પિટિશનમાં શું રજૂઆત થઈ હતી?

મ્યુનિસિપલ ચીફ ઓફિસરની વર્ગ-3ની જગ્યા માટે ભરતી કરવા 2013માં બીજી ઓગસ્ટે જીપીએસસીએ જાહેરખબર આપી હતી, જેમાં પ્રીલિમિનરી અને મેઇન પરીક્ષા યોજાશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2014માં 19મી જાન્યુઆરીએ પ્રીલિમિનરી પરીક્ષા યોજવામાં આવી હતી અને 20મી જૂન 2014ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અરજદારને જાણવા મળ્યું હતું કે, મેઇન પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. પ્રીલિમિનરી પરીક્ષાને આધારે 109 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા હતા. આ પૈકી 30 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ બાદ ઉત્તીર્ણ જાહેર કરાયા હતા. જાહેરખબર પ્રમાણે ઇન્ટરવ્યૂ લેવાની કોઈ જોગવાઈ નહોતી.

ચુકાદા બાદ હવે શું?

-ઇન્ટરવ્યૂ દ્વારા નિમણૂક આ ચુકાદાથી રદ જાહેર થઈ છે.
-પ્રીલિમ પાસ કરનારની ફરી મેઇન પરીક્ષા લેવામાં આવશે.
-મેઇનમાં પાસ થનારા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.